બોડેલીઃ રાજ્યમાં નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી સરકારી કચેરીનો કેસ સામે આવ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં સિંચાઈ વિભાગની નકલી ઓફિસ બનાવી રૂ. 4.15 કરોડની ઉચાપત કર્યાની ઘટના સામે આવી છે. જે મુદ્દે બોડેલીના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ધવલ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાયોજના વહીવટ અધિકારીનાં કામોના આયોજન માટે મીટિંગ બોલાવી ત્યારે આ ધ્યાને આવ્યું હતું. મીટિંગમાં ટ્રાઇબલનાં કામોની ચર્ચા કરી હતી. સિંચાઈ વિભાગની ખોટી દરખાસ્ત ધ્યાને આવતાં આ મામલો સામે આવ્યો હતો. આ મામલો બહાર આવતાં અમે પોલીસને તપાસ સોંપી છે.
નકલી સરકારી ઓફીસ ઊભી કરી કૌભાંડના કેસમાં પોલીસ દ્વારા આરોપી સંદીપ રાજપૂત અને અબુ બક્કર સૈયદને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે આ નકલી સરકારી ઓફિસનું તાળું તોડી તેમના દસ્તાવેજો અને અન્ય સામગ્રી કબજે કરી હતી. ત્યારે હવે આ સમગ્ર કૌભાંડમાં સિંચાઈ વિભાગના કર્મચારીઓ સંકળાયેલા છે કે નથી તે તપાસનો વિષય છે. ત્યારે આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

