મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ઉગ્ર બન્યુંઃ ઠેરઠેર આગજની, તોડફોડ

Wednesday 01st November 2023 07:01 EDT
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલનમાં દિવસે ને દિવસે હિંસા વકરી રહી છે. હજુ આગલા દિવસે બસને આગચંપી તથા કેટલાય વાહનોની તોડફોડ અને ઠેર ઠેર રસ્તા રોકો બાદ બીજા દિવસે ધારાસભ્યો તથા અન્ય નેતાઓને નિશાન બનાવાયા હતા.
મરાઠા આંદોલનકારીઓએ એનસીપીના અજિત જૂથના ધારાસભ્ય પ્રકાશ સોળંકેના બીડ જિલ્લામાં મજલગાંવ ખાતેના આવેલા ઘરને આગ ચાંપી હતી. જ્યારે અન્ય ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ થઈ હતી. ત્યાર બાદ આંદોલનકારીઓ નજીકમાં આવેલી મ્યુનિસિપલ ઓફિસે પહોંચ્યા હતા અને તેને પણ સળગાવી દીધી હતી. છત્રપતિ સંભાજીનગરના ગંગાપુર ખાતે ભાજપના ધારાસભ્ય પ્રશાંત બાંબની ઓફિસ તથા રહેઠાણ ઉપરાંત વાહનોને પણ આગચંપી કરવામાં આવી હતી. આ ઉપરાંત આંદોલનકારીઓએ મ્યુનિસિપલ કચેરીમાં પણ આગ ચાંપી દીધી હતી. રાજ્યમાં જુદાંજુદાં ગામોમાં પણ મનોજ જરાંગેના બેમુદતી ઉપવાસના ટેકાને સાંકળી ઉપવાસ યોજવાની ઘોષણા થયા બાદ આ હિંસા વકરી છે.


comments powered by Disqus