માઉન્ટ કેન્યાના હાઇકીંગ દરમિયાન શિલ્પા શાહ અને ગાઇડનું કરૂણ મોત

- જ્યોત્સ્ના શાહ Wednesday 01st November 2023 07:09 EDT
 
 

આફ્રિકનના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો બાદ બીજા નંબરનો ઊંચો પર્વત માઉન્ટ કેન્યા. આ પર્વત પર હાઇકિંગ કરવા ગયેલ લંડનના ૮ બહેનોનું ગૃપ (મુખ્યત્વે ગુજરાતી) સફળતાપૂર્વક ચઢાણ કરી જ્યારે ઉતરી રહ્યું હતું ત્યારે હવામાન એકાએક ભયંકર રીતે પ્રતિકૂળ બનતાં આઇસ પરથી લોકપ્રિય રૂટ લીનાના અને નેરો મારું રૂટ હૂટ પરથી પગ લપસી પડતાં શિલ્પાબહેન શાહ (૫૮) ખીણમાં ગબડ્યાં અને એમને બચાવવા જતા એમના ગાઇડ કેલ્વીન મુરીયુકી મ્વીથી બન્નેનાં કરૂણ મોત નીપજ્યાં.
વાયુવેગે આ દુ:ખદ સમાચાર પ્રસારિત થતાં હાઇકિંગ ગૃપ સહિત, એમના કુટુંબીજનો, ગાઇડ કોમ્યુનિટી અને સમગ્ર ઓશવાળ સમાજમાં ભારે આઘાત અને દુ:ખની લાગણી વ્યાપી ગઇ. શુક્રવાર ૨૦ ઓક્ટોબરનો એ ગોઝારો દિવસ કરૂણાજનક બની ગયો. બે દિવસના ઓપરેશન બાદ બન્નેના શબ મળી આવતાં ગાઇડના શબને સેન્ટ્રલ કેન્યાની નજીકની હોસ્પીટલમાં લઇ જવાયું અને શિલ્પાબહેનનું શબ નૈરોબીથી લંડન લવાયું.
મંગળવાર તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારે શિલ્પાબહેનના અંતિમ સંસ્કાર ગોલ્ડર્સગ્રીન ક્રિમેટોરિયમમાં કરાયાં.
કેન્ટન સ્થિત શ્રી વેલજીભાઇ ગોસર શાહ અને પુષ્પાબહેનની આ એકની એક દીકરીનું અકાળે અવસાન થતાં કુટુંબે ભારે ગ્લાનિ અનુભવી. નાનપણથી જ સાહસિક મનોવૃત્તિ ધરાવતી શિલ્પા હાઇકિંગ અને વોકની શોખીન હતી. શિલ્પાબહેન એમની પાછળ એક પુત્ર, બે ભાઇઓ અને માતા-પિતાને વિલાપ કરતાં મૂકી ગયાં.
શિલ્પાબહેનને બચાવવા માટે પોતાનો જાન જોખમમાં મૂકનાર જાબાંઝ યુવા ગાઇડ કેલ્વીનના કુટુંબીજનો માટે તત્કાળ ફંડની ઓન લાઇન અપીલ શાહ પરિવારે કરી. જેમાં ૨.૩ મિલિયન કેન્યન શિલિંગનું ફંડ ૨૦ કલાકમાં ઉભું કરી માનવતાનું દ્વષ્ટાંત પૂરું પાડ્યું. આ દાનમાં સૌથી વધુ રકમ શિલ્પાબહેનના ભાઇઓ શમીત અને વિશાદે ૧૮૨,૦૦૦ કેન્યન શિલિંગ ફાળવી હતી. તેમણે ‘ગુજરાત સમાચાર’ને જણાવ્યું કે, ‘અમારી પ્રિય નાની બહેનને બચાવવા માટે પ્રાણ સમર્પિત કરનાર કેલ્વીન સાચે જ એન્જલ હતો. ૧૭ વર્ષથી ગાઇડની ફરજ બજાવતા ગૃપે અમને જણાવ્યું કે, આટલા વર્ષોમાં પહેલી વખત આવી ખરાબ - ખતરનાક વેધર અમે જોઇ. અમારા કુટુંબ માટે આ આઘાતદાયી ઘટના છે.’
આ આઘાતજનક સમયમાં પરમકૃપાળુ પરમાત્મા શાહ ફેમીલીને દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી ‘ગુજરાત સમાચાર પરિવારની પ્રાર્થના.
સદ્ગત ગાઇડને ભાવભરી અંજલિ અર્પતા એના મિત્ર રોબર્ટ કમુરાએ ફેસબુકમાં લખ્યું હતું કે, ‘અમારો મિત્ર ચિર નિંદ્રામાં પોઢી ગયો. અમારું હ્દય ખિન્ન થઇ ગયું. ભગવાન એના આત્માને શાંતિ આપે. એનું નિ:સ્વાર્થ જીવન અમને માનવ સેવા કરવા પ્રેરે એવી પ્રાર્થના.”
આ માઉન્ટ કેન્યા સ્થાનિક કિકિયુ જાતિ માટે એમના ભગવાનનું ઘર મનાય છે. માઉન્ટ કેન્યા આશરે 5,200 મીટર (17,050 ફૂટ) ઊંચાઈ ધરાવે છે જે આફ્રિકાના ટાન્ઝાનિયાના માઉન્ટ કિલિમાન્જારો (5,895 મીટર - 19,340 ફૂટ) પછી બીજા ક્રમે આવે છે.


comments powered by Disqus