લીકરકેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઈડીનું તેડું

Wednesday 01st November 2023 06:54 EDT
 
 

નવી દિલ્હીઃ લીકર કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇડીએ 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં એપ્રિલમાં પણ સીબીઆઇ કેજરીવાલની 9 કલાક પૂછપરછ કરી ચૂકી છે. આ જ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આપના સાસંદ સંજયસિહ જેલમાં છે.
સિસોદિયાને જામીન નકારતાં કોર્ટે કહ્યું છે કે, મામલામાં ટ્રાયલ ધીમી ગતિએ ચાલશે તો ત્રણ મહિનામાં ફરી જામીન આપી શકીએ. કોર્ટે 247 દિવસથી જેલમાં બંધ સિસોદિયાની જામીન અરજી ફગાવતાં કહ્યું હતું કે, આ તપાસ સાથે સંકળાયેલી અનેક બાબતો શંકા ઉપજાવે છે પણ રૂ. 338 કરોડના લાભની વાત હાલ પૂરતી સાબિત થઈ છે, જે ગુનો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ પણ તેમના નિર્ણય સાથે સંમત નથી. આપ નેતા આતિશીએ કહ્યું કે, અમે આ કેસનો અભ્યાસ કરીને અન્ય કાયદાકીય વિકલ્પો ચકાસી રહ્યા છીએ.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટની બેન્ચે કહ્યું કે, લીકરના જથ્થાબંધ વિતરકોને રૂ. 338 કરોડનો લાભ થયો છે, જેને કોઈ ખોટું ઠેરવી ના શકે. એટલે કે નવી નીતિથી કેટલાક વેપારીને લાભ થશે તે નક્કી હતું અને તેના બદલામાં તેઓ લાંચ આપવા તૈયાર હતા. આ મામલો સરકારી કર્મચારીને લાંચ આપવા સંબંધિત કાયદા હેઠળ ગુનો છે, એટલે જામીન અરજી ફગાવવામાં આવે છે.


comments powered by Disqus