વિજ્યાદશમી નિમિત્તે મા બહુચરને રૂ. 300 કરોડનો નવલખો હાર પહેરાવાયો

Wednesday 01st November 2023 06:43 EDT
 
 

બહુચરાજીઃ તીર્થધામ બહુચરાજીમાં મંગળવારે બહુચર માતાજીને અંદાજે રૂ. 300 કરોડથી પણ વધુ કિંમતનો નવલખો હાર પહેરાવી પાલખી કાઢવામાં આવી હતી. આ અતિમૂલ્યવાન હાર વર્ષમાં માત્ર એકવાર વિજ્યાદશમીના પવિત્ર દિવસે જ માતાજીને પહેરાવાય છે. પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ પાલખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બેચર ગામે સમીવૃક્ષ પૂજન માટે પહોંચી હતી. આ જગ્યામાં ગુપ્તવેશ સમયે પાંડવોએ શસ્ત્રો છુપાવ્યાં હોવાની કથા છે.
વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા, ત્યારે તેમને પાઠાનું અસાધ્ય દર્દ હતું, જે મા બહુચરની બાધા રાખવાથી મટી ગયા બાદ રાજા બનવાની મનોકામના પણ પૂર્ણ થઈ હતી. આથી તેમણે બહુચરાજીમાં વર્ષ 1839માં ભવ્ય મંદિર બંધાવી માતાજીને હાર અર્પણ કર્યો હતો. એ સમયે હારનું મૂલ્ય રૂ. 9 લાખ હોઈ નવલખો હાર કહેવાય છે.
નવલખા હારની વિશેષતા
હાલના સમયમાં આ નવલખા હારની કિંમત રૂ. 300 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. આ હારમાં 6 અતિમૂલ્યવાન નીલમ અને 150થી વધુ ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે. 184 વર્ષ પહેલાં આ હાર ગાયકવાડ રાજા દ્વારા ભેટ આપવામાં આવ્યો હતો.


comments powered by Disqus