વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રનું અંબાજીમાં સ્થાપનઃ અંબે માતનાં ચરણોમાં શિશ ઝુકાવતા મોદી

Wednesday 01st November 2023 06:27 EDT
 
 

પાલનપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજા-અર્ચના સાથે વિશ્વનું મોટું શ્રીયંત્ર મા અંબાનાં ચરણોમાં સોંપ્યું હતું. આ શ્રીયંત્ર પાંચ ધાતું (તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદી)થી નિર્મિત છે. ચાર ફૂટની લંબાઈ-પહોળાઈ અને ઊંચાઈ ધરાવતા શ્રીયંત્રનું કુલ વજન 2200 કિલોગ્રામ છે.
મોદી સડકમાર્ગે જ અંબાજી જાય છે, કારણ કે...
છેલ્લાં 22 વર્ષથી મોદી એક પરંપરાનું કાયમ પાલન કરતા આવ્યા છે. તેમનું હેલિકોપ્ટર ક્યારેય અંબાજીમાં ઉતરતું નથી. આ વખતે પણ તેનું ધ્યાન રાખતાં ચિખલા ગામમાં હેલિકોપ્ટર ઉતાર્યું હતું. જે અંબાજીથી 5 કિ.મી.ના અંતરે છે. અહીંથી તેઓ સડકમાર્ગે પહોંચ્યા હતા. અંબાજીમાં હેલિકોપ્ટરનું ઉતરાણ ન કરવા પાછળ મનાય છે કે ભૂતકાળમાં જે પણ નેતાએ અંબાજી મંદિરની ઉપરથી હેલિકોપ્ટર ઉડાવવાની ભૂલ કરી છે તેમણે થોડા સમયમાં ખુરશી ગુમાવી છે. તીર્થસ્થળ અંબાજીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અંબાજીમાં હેલિકોપ્ટર ઉતારવાની સૌથી પહેલી ભૂલ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કરી હતી. એ પછી તેમણે મુખ્યમંત્રી પદ ગુમાવ્યું હતું અને ફરી સીએમ બની શક્યા નહોતા. ચીમન પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની સાથે પણ આવું બન્યું હતું. તેથી ગુજરાતમાં 1996 પછી જે પણ મુખ્યમંત્રી બન્યા તેમણે દાંતા નજીક બનાવવામાં આવેલા હેલિપેડનો ઉપયોગ કર્યો હતો.


comments powered by Disqus