સુરતઃ શહેરમાં પાલનપુર પાટિયા ખાતે સોલંકી પરિવારના સાત જણાનાં સામુહિક આપઘાતને પગલે અરેરાટી ફેલાઈ ગઈ છે.
પાલનપુર પાટીયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઈ સોલંકી ફર્નિચરનું કામ કરીને પત્ની રીટા ઉર્ફે રેશમા તથા ત્રણ સંતાનો અને માતા-પિતા સહિત પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન શનિવાર સવારે તેમને ત્યાં ફર્નિચરનું કામ કરતા કારીગર મૂળાએ મનીષભાઈના ઘરે આવીને દરવાજે ખખડાવ્યો હતો પણ કોઈએ ન ખોલતાં તેણે ઘરની પાછળના ભાગે જઈ બારીનો કાચ તોડી જોતાં મનીષભાઈ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં દેખાતાં તે ચોંકી ગયો હતો. તેણે આસપાસના લોકોને તથા પરિવારજનોને બોલાવતાં ઘરની અંદરનું દૃશ્ય જોતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘરમાં મનીષભાઈ ઉપરાંત તેમની પત્ની, સંતાનો અને મનીષભાઈનાં માતા-પિતા એમ તમામ સાત સભ્યની લાશો જોનારા લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.
મનીષ સોલંકી સહિત પરીવારના સાત સભ્યોના આપઘાત પ્રકરણમાં આર્થિક સંકડામણ કારણભૂત હોવા અંગે અનેક તર્કવિતર્ક ઊભા થયા છે, કારણ કે પ્રાથમિક તપાસમાં ફર્નિચર અને ઇન્ટિરિયરના કામ માટે પોતે ઘણા વધુ માણસોને રાખ્યા હતા, તેમજ તમામને મદદ કરવાની ભાવનાને લીધે અનેક લોકોને આર્થિક મદદ પણ કરતો હતો. જો કે મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં પણ રૂપિયા મદદ માટે આપ્યા બાદ પાછા મળ્યા ન હોવાનું જણાવ્યું છે, જેથી આર્થિક ભીસમાં પોતે અને પરિવારના છ સભ્યને ઝેરી દવા આપ્યા બાદ પોતે પણ ફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું.
પોસ્ટમોર્ટમમાં મનીષભાઈએ ફાંસો ખાધો હોવાનું અને અન્ય તમામના પેટમાં ઝેરી દવાના અંશ મળી આવ્યા હતા. મૃતક મનીષનાં માતા શોભાબહેન અને પુત્રી દિશાના ગળા પર નિશાન મળી આવ્યાં હતાં. જે અંતર્ગત બંનેને ઝેરી દવા આપ્યા બાદ ગળેટૂંપો આપી મનીષે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.

