કડીઃ કડી કોલેજમાં સાથે અભ્યાસ કરતી મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવક ચાર દિવસ અગાઉ ઘર છોડીને ભાગી ગયાં. જેની અદાવતમાં ગુરુવારે મોડીરાત્રે હાથમાં ખુલ્લી તલવારો, છરા, ગુપ્તી અને પથ્થરો લઈને 150થી વધુ મુસ્લિમ યુવકોનું ટોળું બાઇક, એક્ટિવા અને રિક્ષામાં હિન્દુ વિસ્તારોમાં નીકળ્યું હતું. જેમાં સ્ટેશન રોડ ભાગ્યોદય ચોકડીએ હલ્લોબોલ કરી દુકાનો પર પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત કરણનગર રોડ સ્થિત ખાણીપીણીની દુકાનમાં તોડફોડ કરી પાંજરાપોળ નજીક કારમાં તોડફોડ કરી શહેરને બે ક્લાક સુધી બાનમાં લીધું હતું. ઘટનાને પગલે જિલ્લાભરની પોલીસ શહેરમાં ખડકી દેવાઈ હતી અને પોલીસે કોમ્બિંગ કરી 26 જેટલાં તત્ત્વોની અટકાયત કરી હતી. આ મામલે બે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે. છોકરા-છોકરી ભાગી જતાં મુસ્લિમ સમાજના લોકોએ ગુરુવારે પોલીસ સમક્ષ યુવતીને પરત લાવવા રજૂઆત હતી.
રોષ જોતાં પોલીસ હરકતમાં આવી
પોલીસની કથિત નબળી કામગીરીને પગલે શહેરના હિન્દુ સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં લોકો કડી પોલીસ મથકે ઊમટી પડ્યા હતા. ગુરુવારે રાત્રિ દરમિયાન 15 થી 20 બાઇકો પર કેટલાંક તોફાની તત્ત્વોએ દુકાનોમાં પથ્થરમારો મારી લૂંટ ચલાવી હતી. જેમાં પોલીસે 15-16 શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. બે ગુના નોંધી વધુ 26 લોકોની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

