અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે સુખસુવિધામાં વધારો થતાં મોટા પ્રમાણમાં ભક્તો તો આવે જ છે, પરંતુ લગ્નપ્રસંગે માતાજીનાં દર્શન કરવા અને નિમંત્રણ આપવા પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારે છે. લગ્ન બાદ દર્શને આવતાં નવયુગલો અને લગ્નનું નિમંત્રણ આપવા જનારા લોકોને હવે મા અંબાના પ્રસાદરૂપે એક વિશિષ્ટ શુભેચ્છા કિટ આપવામાં આવશે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઊભી કરવામાં આવેલી આ વ્યવસ્થા 1 મેથી શરૂ કરી દેવામાં આવી છે. લગ્નનું નિમંત્રણ પહેલાં ભક્તો દ્વારા માતાજીના ભંડારમાં પધરાવવામાં આવતું હતું, તેના સ્થાને માતાજીને અર્પણ કરવામાં આવેલી લગ્નપત્રિકા ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર પાછળ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે રૂબરૂ સ્વીકારવામાં આવશે અને તેની નોંધણી કરવામાં આવશે. જેની સામે માતાજી તરફથી ટ્રસ્ટ દ્વારા માતાજીને ચડાવેલું કંકુ, રક્ષાપોટલી, પ્રસાદ અને માતાજીના સ્મૃતિચિન્હ સાથેની શુભેચ્છા કિટ અપાશે.

