રાજકોટઃ સુરેન્દ્રનગરના ચોટીલામાં નિર્માણ પામી રહેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સંગ્રહાલય અને પુસ્તકાલયનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. ચોટીલા ખાતે રૂ. 29.51 કરોડના ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને રૂ. 3.39 કરોડના ખર્ચે સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરાશે.
આ તકે તેમણે સંગ્રહાલયની મુલાકાત લઈ શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રદર્શિત કરાયેલા શ્રી મેઘાણીના સાહિત્યસર્જનને રસપૂર્વક નિહાળ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સપનું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનું મ્યુઝિયમ બને, મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત તેમના જન્મસ્થળ ચોટીલા ખાતે સંગ્રહાલય તૈયાર કરવા સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે અને સંગ્રહાલય માટે રૂ. 29.51 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. આ સંગ્રહાલયમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં યોગદાનને પ્રદર્શિત કરાશે. આ ઉપરાંત ચોટીલાના તાલુકા પુસ્તકાલયને ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય' એવું નામ આપવામાં આવ્યું છે. હાલનું ભવન નાનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ બે માળના અત્યાધુનિક સરકારી પુસ્તકાલયનું નિર્માણ થશે. આ પુસ્તકાલયમાં મેઘાણીજીના તમામ સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો વાંચકો, સંશોધકો પણ ઉપયોગ કરી શકશે.

