જનતાનો વિશ્વાસ એળે નહીં જાય, આપેલાં વચનો પૂર્ણ કરી બતાવીશુંઃ મુખ્યમંત્રી

Wednesday 03rd May 2023 06:11 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની પ્રજાને વચન આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જનતાજનાર્દને અમારા પર મૂકેલો ભરોસો-વિશ્વાસ એળે જવા દઈશું નહીં અને જે વચનો આપ્યાં છે તે પાળી બતાવીશું. ગુજરાતનું માનસન્માન વધારીશું. અમૃતકાળના પ્રથમ સ્થાપના દિવસની ગુજરાતની પ્રજાને શુભેચ્છા પાઠવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસના રોલ મોડેલ રાજ તરીકે વિકાસ કેવો હોય, વિકાસની રાજનીતિ શું હોય એ દેશ અને દુનિયાને ગુજરાતે દેખાડ્યું છે. વડાપ્રધાન દ્વારા કંડારેલા વિકાસના રાજમાર્ગને વધુ ઉન્નત બનાવવા કોઇ કચાશ નહીં રાખીએ.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકારે પ્રથમ 100 દિવસના શાસનકાળમાં જ 80 હજાર કરોડના એમઓયુ કર્યા હતા. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના નિર્ધારમાં આત્મનિર્ભર ગુજરાત માટે વિકાસના દરેક ક્ષેત્રમાં અવ્વલ રહેવાનો ગુજરાત ગૌરવ દિવસનો આપણા સૌનો સંકલ્પ રહેશે. કુલ જીડીપીમાં ગુજરાતનો ભાગ 8.36 ટકા છે, તેને આવનારા વર્ષમાં 10 ટકાથી વધુ કરવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સફેદ રણ, ધોળાવીરા, ગીર, સોમનાથ, દ્વારકા અને શિવરાજપુર જેવા આઇકોનિક ટૂરિસ્ટ પ્લેસ વિકસાવવા રૂ. 8 હજાર કરોડ પ્રવાસન વિકાસ માટે 5 વર્ષમાં ખર્ચ કરાશે.


comments powered by Disqus