ભુજઃ પંજાબની જેલમાં બેઠાંબેઠાં પાકિસ્તાની ડ્રગ્સ ડીલર સાથે હાથ મિલાવીને રૂ. 194 કરોડનું હેરોઇન મગાવનારા ડ્રગ્સ માફિયા લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. સપ્ટેમ્બર- 2022માં જખૌના દરિયામાંથી એટીએસએ 39 કિલો હેરોઇન સાથે છ પાકિસ્તાની શખ્સને ઝડપી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેમાં બિશ્નોઈનું નામ ખૂલ્યું હતું. નલિયા કોર્ટમાં રજૂ કરાયેલા લોરેન્સને 9 મે સુધીના રિમાન્ડ પર સોંપાયો છે. લોરેન્સ સંચાલિત ડ્રગ્સ નેટવર્કમાં આતંકવાદી કનેક્શન અને પાકિસ્તાનના અબ્દુલ્લા નામના શખ્સની તપાસ કરાશે તેમ એટીએસએ જણાવ્યું હતું.
ગુજરાત એટીએસની ટીમે જખૌ પાસે 14 સપ્ટેમ્બર 2022ની રાતે પાક્કી બાતમીના આધારે છ પાકિસ્તાની ખલાસી સાથેની એક બોટ પકડી હતી. કરાંચીના છ શખ્સો સાથેની બોટમાંથી રૂ. 194 કરોડ, 97 લાખની કિંમતનો 38 કિલો અને 994 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.
એટીએસની તપાસમાં એવી વિગતો ખૂલી હતી કે, લવિન્દરસિંઘ વિષ્ણુદત્ત ઉર્ફે લોરેન્સ બિશ્નોઈએ હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના શખ્સ પાસે મગાવ્યો હતો. બલુચિસ્તાનના પસનીના દરિયાકિનારેથી ડ્રગ્સનો જથ્થો અલતયાસા બોટમાં માછીમારના સ્વાંગમાં રહેલા 6 ખલાસી સાથે રવાના કરાયો હતો. જખૌના દરિયામાં ડ્રગ્સનો જથ્થો જુમ્મા કોલસાઇનવાળી બોટમાં આપવાનો હતો. લોરેન્સના કહેવાથી નાઈજીરિયન નાગરિક ચીફ અબોન્ના અને મેરાજ ઉર્ફે મિરાજ રહેમાનીએ સાઉથ આફ્રિકન મહિલા બોંગાની થાન્ડીલે ઉર્ફે અનિતાને કચ્છથી ડ્રગ્સનો જથ્થો લાવવાનું કામ સોંપ્યું હતું.

