મન કી બાત મારા માટે આધ્યાત્મિક યાત્રાઃ મોદી

Wednesday 03rd May 2023 07:01 EDT
 
 

નવી દિલ્હીઃ પીએમ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણી રેડિયો પર પ્રસારિત કરવામાં આવતા ક્રાર્યક્રમ ‘મન કી બાત’ સફરના 100મા ઐતિહાસિક સંસ્કરણમાં મોદીએ કહ્યું હતું કે મન કી બાત કાર્યક્રમ દેશવાસીઓ માટે ખુશી અને ભલાઈનું પર્વ છે, જ્યારે મારા માટે આધ્યાત્મિક યાત્રા છે. મન કી બાત દ્વારા હું દેશવાસીઓ સાથે જોડાયેલો રહું છું. મોદીએ મન કી બાતના 100મા સંસ્કરણમાં અનોખા અંદાજમાં લોકો સાથે સંવાદ કર્યો.
ભારત તેમજ લંડન અને અમેરિકા સહિત અનેક દેશોમાં કરોડો લોકો મન કી બાતના લાઇવ સ્ટ્રીમિંગમાં જોડાયા હતા. દેશભરમાં બૂથ સ્તરે 4 લાખ સેન્ટર પર આ રેડિયો કાર્યક્રમનું પ્રસારણ કરાયું હતું. મોદીએ યુએસના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા તેમજ કાશ્મીરના મંઝૂર અને હરિયાણાના સુનીલ જગલાનનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું, સ્વચ્છ ભારત હોય કે પર્યાવરણ કે ખાદી કે પછી અમૃત મહોત્સવ ‘મન કી બાત’ના મુદ્દા જનઆંદોલન બની ગયા છે. યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર ખાતે મન કી બાતનું લાઇવ પ્રસારણ કરાયું હતું.
‘મન કી બાત’થી જનઆંદોલન શરૂ થયાં
‘મન કી બાત’થી અનેક જનઆંદોલન શરૂ થયાં છે. મેં જે વિષયની ચર્ચા કરી તે બધાં જનઆંદોલન બની ગયાં. રમકડાં ઉદ્યોગને ફરી બેઠો કરવાનું મિશન શરૂ થયું. દેશી શ્વાનનું જતન શરૂ થયું. સમાજમાં અનેક બદલાવનું માધ્યમ રેડિયો બન્યો અને લોકોમાં જાગૃતિ આવી અને આ માર્ગોને અપનાવ્યો.
ચરૈવતી રૈવતીની ભાવના
ઉપનિષદોમાં કહ્યું છે કે, ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો. આજે આપણે ચરૈવતી ચરૈવતીની ભાવનાથી 100મો એપિસોડ પૂરો કરી રહ્યા છીએ. ભારતના સામાજિક તાણાવાણાને જોડવા ‘મન કી બાત’ માળાસમાન છે. દરેક એપિસોડ મને સેવા અને સામર્થ્યની પ્રેરણા આપે છે. આ કાર્યક્રમ હંમેશાં સદ્ભાવના અને સેવાભાવનાથી આગળ વધતો રહ્યો છે. મોદીએ કહ્યું કે, 3 ઓક્ટોબર 2014ના રોજ વિજયા દશમી પર્વના શુભ દિવસે આપણે ‘મન કી બાત’ની સફર શરૂ કરી હતી.

યુપીના 300 મદરેસા, યુએનના હેડક્વાર્ટર ખાતે ‘મન કી બાત’નું લાઇવ પ્રસારણ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ના 100મા કાર્યક્રમનું અમેરિકાના ન્યૂયોર્કસ્થિત સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ અંગે જાણકારી આપતાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી રાજદૂત રૂચિરા કમ્બોજે કહ્યું હતું કે, ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના ટ્રસ્ટીશિપ કાઉન્સિલ પર ‘મન કી બાત’નું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું છે. અમેરિકામાં ન્યૂયોર્કમાં મોડીરાત્રે દોઢ વાગ્યે પ્રસારણ કરાયું હતું. જ્યારે ઉત્તરપ્રદેશના ભાજપના લઘુમતી યુનિટના પ્રમુખ કુંવર બાસિત અલીએ દાવો કર્યો હતો કે મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડનું ઉત્તર પ્રદેશના 300 મદરેસામાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. 


comments powered by Disqus