મહેસાણાઃ કેનેડા જવાનાં સપનાં જોતા પાલાવાસણા રોડ પર રહેતા યુવાનને વિઝા અપાવવાના નામે અમદાવાદ અને વડોદરાના બે શખ્સો દ્વારા રૂ. 45 લાખ પડાવી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મહેસાણામાં રહેતા આશિષ ચૌધરી પાર્થ બારોટ સાથે સંપર્કમાં આવ્યા હતા. પાર્થ બારોટે કેનેડા જવા ફાઇલ મૂકી હોઈ તેમની સાથે વાતચીત કરતાં વિઝાનું કામ કરતાં અમદાવાદ રહેતા અજય બ્રહ્મભટ્ટથી સંપર્ક થયો હતો.
બાદમાં આશિષ ચૌધરી અને પાર્થ બારોટ અમદાવાદ ઓફિસ ગયા હતા, જ્યાં અજય બ્રહ્મભટ્ટે વડોદરા અલકાપુરીમાં માસ્ટર ટચ નામે ઓફિસ ધરાવતા મેહુલ ઠક્કર સાથે ઘર જેવા સંબંધી હોવાનું અને કેનેડાના વિઝાનું કામ કરાવી આપવાની હૈયાધારણ આપી હતી. બાદમાં આશિષ ચૌધરીએ અજય બ્રહ્મભટ્ટ મારફતે મેહુલ ઠક્કરને રૂ. 45 લાખ ટુકડેટુકડે ચૂકવી આપ્યા હતા. જો કે તે બાદ અજય બ્રહ્મભટ્ટનો ફોન બંધ આવતાં આશિષને શંકા ગઈ હતી અને જ્યારે તે વડોદરા પહોંચ્યો તો દુકાન પરનું બોર્ડ હટાવી અજય બ્રહ્મભટ્ટ ફરાર હતો.
આ અંગે આશિષ ચૌધરીએ અજય બ્રહ્મભટ્ટ અને મેેહુલ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

