રાજ્યભરમાં ફરી માવઠાનો મારઃ ખેડૂતો બેહાલ

Wednesday 03rd May 2023 06:41 EDT
 
 

અમદાવાદઃ રાજ્યભરના ખેડૂતો પર 26 એપ્રિલથી ફરી એકવખત ત્રણથી ચાર દિવસ માવઠાનો માર વરસી પડ્યો. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે 26 એપ્રિલે અમદાવાદના વિવિધ વિસ્તારો ઉપરાંત, મહેસાણા, વડોદરા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડ્યું હતું.
26 એપ્રિલથી શરૂ થયેલા માવઠાએ આશરે 4 દિવસ રાજ્યભરના લોકોને પરેશાન કરી દીધા હતા. ખેડૂતોના પાકને નુકસાન થયું છે, જ્યારે અનેક વિસ્તારમાં પાણી ભરાતાં માર્કેટિંગ યાર્ડમાં પણ નુકસાન થયું છે. તો હાઇવે અને બ્રિજ પર વાહનવ્યવહારને મોટી અસર થઈ હતી.
આણંદમાં ખંભાત, તારાપુર અને સોજિત્રામાં પણ માવઠું થતાં ખેડૂતો અને પશુપાલકોની ઘાસને અને ધાનને પલળતું બચાવવા માટે દોડધામ મચી હતી. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ક્વાંટમાં માવઠાના લીધે કેરી અને અન્ય પાકમાં 50 ટકા જેટલું નુકસાન થયું છે. દાહોદના સંજેલી અને ફતેપુરામાં ધોધમાર વરસાદ થતાં માર્કેટયાર્ડના વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી અને ખુલ્લું અનાજ બચાવવા પ્લાસ્ટિક પાથરવા કરી દોડધામ મચી હતી.
મહિસાગર, અરવલ્લીમાં પણ માવઠાથી બાજરી, મકાઈ,ે ઘાસચારાને નુકસાન થયું છે. તો સૌરાષ્ટ્રમાં પણ માવઠું થતાં પૂર જેવાં દૃશ્યો સર્જાયાં હતાં. ઉપરાંત અમરેલી, ગીરસોમનાથ અને જૂનાગઢમાં વરસાદના કારણે બાગાયતી ખેતી અને ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે.


comments powered by Disqus