વડોદરાઃ વડોદરા મનપાના રૂ. 30 હજારનો પગાર ધરાવતા સફાઈ કર્મચારીને પંજાબ નેશનલ બેન્કની રૂ. 16 કરોડની લેણાં નોટિસ મળી છે. શહેરના મામલતદાર (પૂર્વ)એ ચુકવણી નહીં થાય તો મિલકત જપ્તીની નોટિસ ફટકારતાં સફાઈ કર્મચારીનો પરિવાર ચિંતામાં મુકાયો છે. આ ઘટનામાં બેન્કથી કાચું કપાયું હોવા ઉપરાંત ગેરરીતિ આચરાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.
પરિવાર ચિંતામાં
સયાજીપુરામાં રહેતા 59 વર્ષીય શાંતિલાલ સોલંકી વોર્ડ-12માં સફાઈ સેવક તરીકે ફરજ બજાવે છે. 4 માર્ચે તેમને મામલતદારે પંજાબ નેશનલ બેન્કની રૂ. 16 કરોડની વસૂલાત માટે નોટિસ ફટકારી હતી. જેમાં 4 મે સુધી રકમ ભરપાઈ ન થાય તો મિલકત જપ્તિનું જણાવાતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. ક્યાંયથી તેમને સંતોષકારક જવાબ મળ્યો નહીં.
મારી લોન બીઓઆઇમાં
શાંતિલાલ સોલંકીએ આ અંગે જણાવ્યું કે, પંજાબ નેશનલ બેન્કમાં મારું કોઈ ખાતું નથી. મેં કોઈ લોન લીધી નથી, છતાં મને રૂ. 16 કરોડ માટે મકાન જપ્તિની નોટિસ અપાઈ છે. નોટિસમાં આગ્રાની બેન્કને મિલકત સોંપવાનું જણાવાયું છે. આ નોટિસ મામલતદાર વડોદરા શહેર (પૂર્વ)એ આપી છે. આ નોટિસ મને 4 માર્ચે મળી ત્યારથી અમે સૌ પરેશાન છીએ. મારી લોન બેન્ક ઓફ ઇન્ડિયામાં ચાલે છે, પરંતુ પંજાબ નેશનલ બેન્કમાં મારું ખાતું જ નથી.
નોટિસમાં આર.સી. દત્ત રોડની મિલકત દર્શાવાઈ છે તે પણ શાંતિલાલ સોલંકીના નામે નથી. આ કિસ્સામાં બેન્ક કે મામલતદારની ભૂલની શક્યતા છે, ત્રીજું કોઈક અન્યે બોગસ દસ્તાવેજથી શાંતિલાલના નામે લોન લઈ લીધી હશે એમ જાણકારો માને છે.

