વડોદરામાં સી-295 પ્લેન પ્રોજેક્ટઃ કામગીરીના આરંભનું કાઉન્ટડાઉન શરૂ

Wednesday 03rd May 2023 06:11 EDT
 
 

વડોદરાઃ દેશના સંરક્ષણ માટે વડોદરા પોતાનું યોગદાન આપવા તૈયાર થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને ભારતીય ઇજનેરી કૌશલ્યનો વિશ્વમાં ડંકો વાગે તે માટે અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતા અને સ્પેનમાં તૈયાર થયેલા સી-295 વિમાનોનો બીજો સ્લોટ વડોદરામાં બનાવવાનો પ્રોજેક્ટ છે. તે માટે ઇજનેરોની ભરતી કરવાનું શરૂ થઈ ચૂક્યું છે.
હાલમાં જ શરૂ થયેલી ભરતી પ્રક્રિયામાં 75 જેટલા સ્થાનિક ઇજનેરની ભરતી થઈ ચૂકી છે અને હજુ 175 ઇજનેરને આ પ્રોજેક્ટમાં તક આપવામાં આવશે. ગત મહિને સ્પેનના સેવિલે શહેર પાસેની સાન પાબ્લો સાઇટ પર એરબસ દ્વારા ભારતીય સેના માટે 56 માલવાહક વિમાનો સી-295 તૈયાર કરાયાં હતાં. ભારત સરકારે આ વિમાનો દેશમાં જ તૈયાર થાય તે હેતુથી તાતા એડવાન્સ્ડ સિસ્ટમ્સ-એરબસના કોન્સોર્ટિયમની મદદ લીધી હતી. બાદમાં વડોદરામાં પણ આ સી-295 હવાઈ જહાજોના એક અત્યાધુનિક યુનિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગતવર્ષે ઓક્ટોબરમાં શિલાન્યાસ કરાયો હતો.
ભરતી કરાયેલા ઇજનેરોને સ્પેનની સેવિલેના યુનિટ પર પણ મોકલીને તાલીમ આપવાની જાહેરાત કરાઈ છે.
પહેલા તબક્કામાં બાહ્યા માળખાં બનશે
હાલમાં વડોદરાના ઉત્પાદન યુનિટમાં વિમાનોના બહારનાં માળખાં તૈયાર કરવાને પ્રાથમિકતા અપાશે. આ માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ યુનિટમાં દરેક પાર્ટ્સ માટે ગુણવત્તાની ચકાસણી માટેનું યુનિટ પણ છે, જે વિમાનના હાઇડ્રોલિક્સ, બળતણ અને ઇલેક્ટ્રિકલ-ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સની ચકાસણી કરી શકે તેના પર ધ્યાન અપાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઉત્પાદન યુનિટમાં જરૂરિયાત અને સમયપત્રક મુજબ વિમાનોના ઉત્પાદનનો કાચો માલ મળી રહે તે માટે મેનેજમેન્ટ ચોક્કસ વ્યવસ્થાને પણ પ્રાથમિકતા આપી રહ્યું છે.


comments powered by Disqus