ગીર, સોમનાથઃ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં 17 એપ્રિલથી શરૂ થયેલા ‘સૌરાષ્ટ્ર- તમિલ સંગમમ' કાર્યક્રમનો સમાપન સમારોહ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ તમિલ ભાષામાં સંબોધન કરીને તમિલ બંધુઓનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્રની ધરતી પર ભારતની બે પ્રાચીન ધારાનો સંગમ થતો આપણે જોઈ રહ્યા છીએ. આ ભગવાન સોમનાથ અને ભગવાન રામનાથના રૂપમાં શિવની ભાવનાનો ઉત્સવ છે. ભારત વિવિધતાને વિશેષતા તરીકે જુએ છે-સંસ્કૃતિઓના સંઘર્ષની નહીં, સંગમની આવશ્કયતા છે.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી તરીકે તેમણે ૨૦૧૦માં મદુરાઈમાં સૌરાષ્ટ્રના ૫૦,૦૦૦થી વધુ સહભાગીઓ સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કર્યું હતું. ભારતની આઝાદીના અમૃતકાળમાં આપણે સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા મહત્વના સાંસ્કૃતિક કાર્યક્રમોના સાક્ષી છીએ. જે માત્ર તમિલનાડુ અને સૌરાષ્ટ્રનો સંગમ નથી પરંતુ દેવી મીનાક્ષીના રૂપમાં શક્તિની ઉપાસનાનો અને દેવી પાર્વતીનો તહેવાર પણ છે. આ શ્રીકૃષ્ણ અને શ્રી રંગનાથનો, નર્મદા અને વાગઈ, દાંડિયા અને કોલાયટ્ટમનો સંગમ છે અને દ્વારકા અને પુરી જેવી પવિત્ર પરંપરા-સાંસ્કૃતિક ધરોહરનો સંગમ છે. આપણે રાષ્ટ્રનિર્માણના માર્ગ પર આ વારસા સાથે આગળ વધવું પડશે. ભારત એક એવો દેશ છે જે તેની વિવિધતાને વિશિષ્ટતા તરીકે જુએ છે. આપણા વારસાનું ગૌરવ ત્યારે વધશે જ્યારે આપણે તેને જાણીશું.
તામિલનાડુ-ગુજરાતના પ્રાચીન સંબંધ ઉજાગરઃ ભૂપેન્દ્ર પટેલ
સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમમના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંગમમને એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ અવસર ગણાવી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તમિલનાડુ અને સૌરાષ્ટ્ર- ગુજરાત વચ્ચેના સદીઓ પુરાણા સંબંધો ઉજાગર થવાની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની સાંસ્કૃતિક -રાષ્ટ્રીય એકતા પણ ચરિતાર્થ થઈ છે.

