શતાયુ હીરાબાનું શુક્રવારે વહેલી સવારે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં નિધન થયું. જીવનભર અનેક કપરી સ્થિતિઓ સામે બાથ ભીડી પોતાનાં 6 સંતાનોનો સારા સંસ્કાર સાથે ઉછેર કરનારાં હીરાબાનું જીવન ભારે સંઘર્ષમય રહ્યું છે. જે અંગેનો પ્રધાનમંત્રી મોદી અનેક વખત ઉલ્લેખ કરી ચૂક્યા છે.
18 જૂન 1923ના રોજ મહેસાણામાં જન્મનારાં હીરાબેન મોદીનાં લગ્ન દામોદરદાસ મૂળચંદ મોદી સાથે લગ્ન થયાં હતાં. દામોદરદાસ તે સમયે ચાની કીટલી ચલાવતા હતા. જે બાદ હીરાબેન અને દામોદરદાસને ઘરે છ સંતાનો અવતર્યાં હતાં. જેમાં અમૃતભાઈ, પંકજભાઈ, નરેન્દ્રભાઈ, પ્રહલાદભાઈ, સોમાભાઈ અને વસંતીબેન મોદીનો સમાવેશ થાય છે. જેમાં નરેન્દ્ર મોદી ત્રીજું સંતાન હતા. દામોદરદાસને હીરાબેનનો તમામ સ્થિતિમાં સહકાર મળતાં તેઓએ સંતાનોને સારી રીતે ઉછેર્યાં હતાં.
મારાં માતા લડવૈયાઃ નરેન્દ્ર મોદી
હીરાબા આજીવન સંઘર્ષશીલ મહિલા રહ્યાં. પ્રધાનમંત્રી મોદી અનેકવાર પોતાનાં માતાના સંઘર્ષોનો ભાવુક સ્વરમાં ઉલ્લેખ કરી ચૂક્યા છે. વર્ષ 2015માં ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સાથેની વાતચીત વખતે પીએમ મોદીએ પોતાનાં માતાના સંઘર્ષોને યાદ કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, માતા અમારું પેટ ભરવા માટે અન્યોનાં ઘરમાં જઈને વાસણો સાફ કરતાં હતાં અને પાણી ભરતાં હતાં. ત્યારે માતાની તકલીફોને યાદ કરીને પીએમ મોદી ભાવુક થઈને રડી પડ્યા હતા.
6 મહિનાથી 100 વર્ષ સુધી સંઘર્ષઃ પ્રહલાદ મોદી
માતાને યાદ કરતાં પ્રહલાદભાઈ મોદીએ પણ માતાનાં 100 વર્ષના સંઘર્ષોને યાદ કરતાં જણાવ્યું કે, માતા તેમના જન્મથી જ યોદ્ધા હતાં. માતા હીરાબા જ્યારે છ મહિનાનાં હતાં ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું, જે બાદ હીરાબાના પિતાએ બીજા લગ્ન કર્યાં હતાં.
બીજા લગ્નથી થયેલાં સંતાનોની જવાબદારી મોટાં હોવાના કારણે હીરાબા પર જ હતી. એટલે કે નાની ઉંમરમાં જ તેઓ તેમનાં અન્ય ભાઈ-બહેનોનાં માતા બની ચૂ્ક્યાં હતાં. યોગાનુયોગ બીજા માતાનું પણ અવસાન થતાં હીરાબાના પિતાએ ત્રીજા લગ્ન કર્યાં હતાં, જેમના દ્વારા થયેલાં સંતાનોની જવાબદારી પણ હીરાબાના સિરે જ આવી હતી. જે બાદ મારા પિતા સાથે લગ્ન બાદ અમે છ ભાઈ-બહેનોનો ઉછેર તેમણે કર્યો.

