150 દીકરીનો લગ્નોત્સવઃ CMએ આશીર્વાદ આપ્યા

Wednesday 04th January 2023 05:43 EST
 
 

સુરત: છેલ્લા એક દાયકાથી પિતાવિહોણી દીકરીઓને ભવ્ય લગ્ન સમારોહ યોજીને વિદાઈ આપવા માટે જાણીતા સમાજસેવી એવા પી.પી.સવાણી પરિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે કન્યાદાન કરીને 150 દીકરીને સાસરે વળાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 150 નવદંપતીને સુખમય દાંપત્યજીવનના આશીર્વચન પાઠવ્યા હતા. પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
મુખ્યમંત્રી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની ઉપસ્થિતિમાં એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો વિક્રમ નોંધાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે મુખ્યમંત્રીના હસ્તે માતા-પિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓનાં લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજસેવાનું વિરલ ઉદાહરણ છે. ‘કન્યાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સમૂહલગ્નમાં સવાણી પરિવારના સંતાનનાં લગ્નની અનોખી પરંપરા
સવાણી પરિવાર ના કાર્ય અને કરણીમાં અંતર નથી. એ વાત દરેક સમૂહ લગ્નમાં સાબિત થાય છે. આ વખતે પણ પરિવારના બે દીકરાના લગ્ન દીકરી જગત જનની સમારોહમાં જ થયા છે. સંસ્કાર કહો કે પરંપરા પણ વલ્લભભાઈ સવાણીના તમામ દીકરા અને દીકરીઓના લગ્ન સમૂહલગ્નમાં જ થયા છે.
સમૂહલગ્નના પ્રસંગો
• મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ દીકરી પૂજન કર્યું
• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પી.પી. સવાણી અને જાનવી ગ્રૂપ દ્વારા આયોજિત પિતાવિહોણી ‘દીકરી જગતજનની’ લગ્નોત્સવમાં હાજર રહ્યા
• બેદિવસીય લગ્નોત્સવના પ્રથમ દિવસે 150 નવદંપતીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશીર્વચન પાઠવ્યા.
• એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો રેકોર્ડ નોંધાવ્યો.
• મુખ્યમંત્રીના હસ્તે માતા-પિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો શુભારંભ કરાયો.


comments powered by Disqus