નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયો છે. સાથે જ ઉત્તરપ્રદેશને લઈને ભાજપ ઘણો ગંભીર દેખાઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં મિશન ક્લીન સ્વીપની તૈયારી સાથે ખુદ ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળી રાખ્યો છે. જેને લઈ શાહ જાન્યુઆરીમાં યુપીનો પ્રવાસ પણ ખેડશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 14 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન અમિત શાહ ઉત્તરપ્રદેશ જઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં અમિત શાહ 2019માં હારેલી બેઠકો આંબેડકરનગર અને શ્રાવસ્તીની પણ મુલાકાત લેશે. આ બંને બેઠકો પર હાલમાં બીએસપીનો કબજો છે.
2019માં હારેલી બેઠકોની સમીક્ષા કરશે અમિત શાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ લોકસભાની તૈયારીના ભાગરૂપે જાન્યુઆરી અંત સુધીમાં ઉત્તરપ્રદેશ જશે. તે પહેલાં અમિત શાહ ખુદ હારેલી તમામ બેઠકોની સમીક્ષા કરીને બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે. ભાજપના કબજા બહારની અન્ય બેઠકોની પણ અમિત શાહ સમીક્ષા કરશે અને તેને જીતવા રણનીતિ ઘડશે. ઉત્તરપ્રદેશની 14 લોકસભા બેઠકો એવી છે, જ્યાં ભાજપના સાંસદ નથી, જેના માટે અમિત શાહ વિશેષ રણનીતિ તૈયાર કરશે.
લોકસભા 2024ની ચૂંટણીને ભાજપ કેટલી ગંભીરતાથી લઈ રહ્યો છે તેની ગંભીરતા ત્યાં જ દેખાઈ આવે છે કે શાહ અને નડ્ડાની મુલાકાત પહેલાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ પોતે ઉત્તરપ્રદેશની મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં સંતોષ આગામી કાર્યક્રમોની રૂપરેખા પર ચર્ચા કરી તેની એક ઢાંચો ઊભો કરશે. તેની સાથે જ તે પાર્ટીના પદાધિકારીઓ, વિવિધ મોરચાના અધ્યક્ષ અને જિલ્લા અધ્યક્ષો સાથે બેઠક કરશે.

