અમેરિકાની ટ્રમ્પ વૉલથી કૂદવા જતાં કલોલના યુવકનું મોત, પુત્ર-પત્ની ગંભીર

Wednesday 04th January 2023 05:32 EST
 
 

મહેસાણાઃ વિદેશની ભારેભરખમ કમાણીથી અનેક ભારતીયો અને ખાસ ગુજરાતીઓ આકર્ષાઈ જતા હોય છે, જેના માટે ગમે તેમ કરીને અમેરિકા જવા અનેક પેંતરા અપનાવતા હોય છે. આવા વિદેશ જવા હરખઘેલા થયેલા લોકો પાસેથી એજન્ટો લાખો રૂપિયા ખંખેરી લેતા હોય છે, જેઓ યેનકેન પ્રકારેણ ગેરકાયદે અમેરિકા અથવા અન્ય દેશમાં લોકોને પહોંચાડી દે છે. આવી જ રીતે અમેરિકા પહોંચવાની લહાયમાં અનેક પરિવારો મોતને ભેટ્યા છે, ત્યારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે.
30 ફૂટ ઊંચી દીવાલ પરથી પટકાતાં યુવકનું મોત
મેક્સિકોથી ગેરકાયદે અમેરિકા જતો યાદવ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. કલોલ GIDCમાં નોકરી કરતા બ્રિજકુમાર યાદવ પત્ની અને પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકા જવા નીકળ્યા હતા. આ દરમિયાન બ્રિજકુમાર તેમની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે 30 ફૂટ ઊંચી દીવાલ ઉપર ચડ્યા હતા, જ્યાંથી બ્રિજકુમાર, તેમની પત્ની અને માસૂમ પુત્ર નીચે પટકાયાં હતાં. દીવાલ પરથી નીચે પટકાયેલા બ્રિજકુમારનું નીચે પટકાતાં મોત નીપજ્યું હતું, તો તેમનાં પુત્ર અને પત્ની ગંભીર રીતે ઘવાયાં હતાં.
ડિંગુચાનો પરિવાર બન્યો હતો દુર્ઘટનાનો ભોગ
આ અગાઉ ડિંગુચાનો પરિવાર પણ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. યુએસ-કેનેડા બોર્ડર પર 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં ભારે ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ પામેલાં એક બાળક સહિત ચાર વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી હતી.
બોબી પટેલ ગુજરાતનો સૌથી કુખ્યાત ઇલિગલ ઈમિગ્રેશન એજન્ટ
જે બાદ આ મામલે તપાસ કરતા એવું કારસ્તાન પોલીસને જાણવા મળ્યું છે કે જેનાથી ઉચ્ચ અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. ડિંગુચાના પરિવારના મૃત્યુ બાદ પોલીસની તપાસમાં એજન્ટ બોબી પટેલનું નામ સામે આવ્યું હતું. આ કેસ સાથે સંકળાયેલા ગુજરાત પોલીસના એક ઓફિસરે જણાવ્યું હતું કે, ભરત ઉર્ફે બોબી પટેલ ગુજરાતના સૌથી કુખ્યાત ઇલિગલ ઈમિગ્રેશન એજન્ટ પૈકી એક છે. તેની પાસે 28 ગેરકાયદે પાસપોર્ટ છે અને તેમાંથી કેટલાકમાં
તેની બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન પણ છે.
તેણે વિગતોમાં સામાન્ય ફેરફાર કરીને દેશના પશ્ચિમ ભાગમાં આવેલી પાસપોર્ટ ઓફિસોમાંથી થોડા થોડા સમયે વિવિધ પાસપોર્ટ બનાવડાવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં થયેલા IELTSના પેપર કૌભાંડની તપાસમાં પણ બોબી પટેલનું નામ આવ્યું હતું.


comments powered by Disqus