કડીના ધરમપુરા ગામે પેરાશૂટથી પડી જતાં કોરિયન નાગરિકનું મોત

Wednesday 04th January 2023 05:35 EST
 
 

કડી: કડી તાલુકાના ધરમપુર-વિસતપુરા ગામે આવેલ ધરમપુર ગ્રુપ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે ત્રિદિવસીય ષષ્ટીપૂર્તિ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના દાતા વિસાતપુરા ગામના વતની અને હાલમાં વડોદરા ખાતે રહેતા બિઝનેસમેનના કોરિયન મિત્રે નાના આમંત્રણ ઉપર ધરમપુર ખાતે આવી પરાશૂટ ગ્લાઈડીંગ કર્યું. હતું. પેરાશૂટ ગ્લાઈડીંગ કરતા સમયે અચાનક ચાઈનીઝ દોરી વાગી જતા પેરાશૂટ બેકાબૂ બન્યું હતું. જેમાં કોરિયન ચાલક ગભરાઈ જતા હાર્ટ એટેક આવતા પેરાશૂટ સાથે નીચે પટકાતા 50 વર્ષીય શીન બાયોગમુન નામક કોરિયન વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
કાર્યક્રમમાં આ બનાવના પગલે ગ્રામજનો સહિત ધરમપુર શાળા સંચાલક મંડળ સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. પેરાશૂટ ગ્લાઇડિંગ દરમ્યાન કોરિયન વ્યક્તિના મોતના મામલે પરવાનગી વગર કાર્યક્રમમાં પેરાશૂટ ઉડાવતા હોવાની માહિતી જિલ્લા કલેકટરને મળતા જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલની તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. જેના પગલે કડી પ્રાંત અધિકારી દ્વારા 50 વર્ષીય કોરિયન વ્યક્તિના મોતની તપાસ શરૂ કરી હતી અને પરવાનગી વગર પેરાશૂટ કેવી રીતે ઉડાડવામાં આવ્યું તેની માહિતી એકત્ર કરવાની શરૂ કરી હતી. ધરમપુર શાળામાં ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન વિદેશથી પધારેલ મહેમાનના મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો. વધુ માહિતી પ્રાંત અધિકારીની તપાસ પુરી થયા બાદ જાણી શકાશે તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.


comments powered by Disqus