નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને લઈને સરકાર દ્વારા કડક નિયમો લાદી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ચીન, જાપાન સહિત 6 દેશથી આવનારા યાત્રી માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દીધા છે. આ 6 દેશથી ભારત આવનારા યાત્રીએ પહેલા પોર્ટલ પર પોતાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવો હવે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિમાં ચીન સિવાય જાપાનમાં પણ કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે.
દુનિયાના અનેક દેશોમાં ફરીથી કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. આ તમામ દેશોમાં ચીનની સ્થિતિ સૌથી વધુ ખરાબ દર્શાવાઈ રહી છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2023માં ચીનમાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. તો જાપાનમાં કેસની સંખ્યા એટલી હદે વધી છે કે હોસ્પિટલમાં બેડ ઓછા પડી રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, જાન્યુઆરીથી હવે 6 દેશ ચીન, હોંગકોંગ, જાપાન, સા.કોરિયા, સિંગાપોર અને થાઇલેન્ડથી આવનારા યાત્રીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. યાત્રીએ યાત્રા પહેલાં જ પોતાનો નેગેટિવ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.
વિદેશથી આવનારા 150 પૈકી એક યાત્રી પોઝિટિવ
વિદેશથી આવનારા યાત્રીઓ પર નજર રાખવી એટલે પણ જરૂરી છે કે આવનારા 150 યાત્રીઓ પૈકી એક યાત્રી પોઝિટિવ મળી આવે છે. આટલા પ્રમાણમાં કોરોનાના આવતા કેસ પણ ચિંતામાં વધારો કરનારા છે, કારણ કે આ આંકડો દેશમાં નવા ઉમેરાતા કોરોના કેસથી ઘણો વધારે છે.
જાન્યુઆરીમાં સાવચેતી રાખવી જરૂરી
સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલાં સૂત્રો પ્રમાણે વિદેશથી આવનારા યાત્રીઓ દ્વારા જાન્યુઆરી માસમાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે, જેને ધ્યાને રાખી આવનારા દિવસો 40થી 45 દિવસ ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં હાલની સ્થિતિમાં ગભરાવાની કોઈ જરૂર નથી, માત્ર ધ્યાન રાખવાની જરૂર છે.
કોરોનાના નવા વેરિએન્ટ XBB.1.5નો ભારતમાં પ્રવેશ
અમેરિકામાં કોરોનાનો નવો વેરિએન્ટ XBB.1.5 મળી આવ્યો છે, જે અન્ય વેરિએન્ટની સરખામણીએ વધુ ખતરનાક છે. ચાઇનીઝ મૂળના અમેરિકન આરોગ્ય નિષ્ણાત એરિક ફિગેલ ડિંગે જણાવ્યું હતું કે, અગાઉના BQ1 વેરિએન્ટ કરતાં આ નવો વેરિએન્ટ 120 ગણી વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. આ દરમિયાન ભારતમાં પણ XBB.1.5નો નવો વેરિએન્ટનો કેસ નોંધાયો છે. જો કે ગુજરાતમાં આ વેરિએન્ટનો એકપણ કેસ ન હોવાનો દાવો ગુજરાત આરોગ્ય વિભાગ કરી રહ્યો છે.

