દ્વારકા: ઉત્તર ગુજરાતનું મોઢેરા ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ બન્યા બાદ હવે દ્વારકાને પણ સોલાર ડ્રીમ સિટી બનાવવાનો નિર્ણય કરીને રાજ્ય સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન મામલે વધુ એક મહત્ત્વનું પગલું ઉઠાવાયું છે. 9 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીએ મોઢેરા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું એ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2030 સુધી દેશની 50 ટકા ઊર્જા રિન્યુએબલ એનર્જીથી પૂર્ણ થાય એ દિશામાં ગુજરાત અગ્રેસર હોવાનો ઇશારો આપી દીધો હતો. દેવભૂમિ દ્વારકાને સોલાર ગ્રીન એનર્જી સિટી બનાવવા સ્થાનિક વીજતંત્ર દ્વારા સરવે શરૂ કરાયો છે. જામનગરના અધિક્ષક ઇજનેર એલ. કે. પરમારે સમર્થન આપતાં જણાવ્યું કે, ‘દ્વારકામાં અત્યારે 25 મેગાવોટ વીજળીનો વપરાશ છે, જેની સામે માત્ર અડધા મેગાવોટ જેટલી જ વીજળી સોલાર દ્વારા મેળવાય છે. જો કે પ્રાઇમરી બેઝ પર શરૂ થયેલો આ સરવૅ પૂરો થતા હજુ એક મહિનો લાગશે અને એ પછી તેનો પ્રોજેક્ટ બનાવીને મંજૂરી માટે મૂકવામાં આવશે.’ મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ સમયે વાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50 ટકા ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને ચે દિશામાં પૂરતું ધ્યાન અપાશે.’

