નવી દિલ્હીઃ દિલ્હીમાં રવિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના બની. નવા વર્ષની ઉજવણી વચ્ચે એક કારમાં આવેલા પાંચ છોકરાઓ એક છોકરીને પોતાની કારમાં 12 કિ.મી. સુધી ખેંચી ગયા, જેથી યુવતીનું દર્દનાક મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે રસ્તા પર ખેંચાતા યુવતીના શરીરના ટુકડા થઈ ગયા હતા.
શું હતી સમગ્ર ઘટના ?
પ્રત્યક્ષદર્શીએ પોલીસ પર આરોપ કરતાં કહ્યું કે, પીસીઆર વાનમાં હાજર પોલીસ હોશમાં ન હતી અને વાત સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. પ્રત્યક્ષદર્શી દીપકે કહ્યું કે, જ્યાં સુધી મૃતદેહ કારમાં ફસાઈ ગયો ત્યાં સુધી તે અહીં-તહીં કાર ચલાવતો રહ્યો. મૃતદેહ પડી જતાં તેને છોડીને સ્થળ પરથી ભાગી ગયા હતા.
શું કહ્યું દિલ્હી પોલીસે ?
દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટ ડીસીપી હરેન્દ્રસિંહે જણાવ્યું કે, રવિવારે સવારે લગભગ 3 વાગ્યે પોલીસને કાંઝાવાલા વિસ્તારમાં પીસીઆર કોલ આવ્યો. કહેવામાં આવ્યું કે એક છોકરી રસ્તાની બાજુમાં નગ્ન અવસ્થામાં પડી છે. આ માહિતી બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માત મોત
ઘટના બાદ પીડિતા અંજલિના કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માતના કારણે થયેલી ઇજા મોતનું કારણ જણાવવામાં આવ્યું છે. આ પરથી યુવતી સાથે યૌનશોષણના એંગલને ફગાવી દેવામાં આવ્યો છે. 12 કિ.મી. સુધી ઢસડાતાં યુવતીનાં તમામ કપડાં ગાયબ થઈ ચૂક્યાં હતાં, ઉપરાંત યુવતીને માથામાં, કમરમાં અને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી.

