પોરબંદર: પાકિસ્તાને ફરી લખણ ઝળકાવ્યા છે. ભારતીય જળસીમા પાસેથી પાક મરિને એક બોટ અને 6 માછીમારોના અપહરણ કરતાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને પાકિસ્તાન કબજાની 1200થી વધુ બોટ અને 600થી વધુ માછીમારોને મુક્ત કરાવવા માગ ઉઠી છે.
ભારતીય જળસીમામાં ડ્રગ્સ અને હથિયારો સાથે પ્રવેશેલી પાકિસ્તાની બોટ અલ સોહેલીને એ.ટી.એસ. અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડી લેવામાં આવી છે તેના 24 કલાક પહેલાં એટલે કે તા.25 ડિસેમ્બરની સવારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા સૌરાષ્ટ્રની બોટનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આ અંગે માહિતી આપતાં પોરબંદરના માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે, તા.25ની સવારે ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી સૌરાષ્ટ્રની એક બોટ અને છ માછીમારોનું પાક મરિન સિક્યુરીટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તમામને કરાચી લઈ જવામાં આવ્યા છે. અપહરણ કરાયેલી બોટ ઓખા અથવા માંગરોળની હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે.

