પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું નિધન

હીરાબાની અંતિમવિધિથી બેસણા સુધી બધું સાદગીપૂર્ણઃ કોઈ સરકારી કામ પણ ન રોકાયાં

Wednesday 04th January 2023 05:04 EST
 
 

ગાંધીનગરઃ ભારતના નાગરિકોએ ભૂતકાળમાં થઈ ગયેલા પ્રધાનમંત્રીના કપડાં સરકારે ખર્ચે વિદેશ ધોવા માટે જતા જોયાં છે, પ્રધાનમંત્રીની મનપસંદ સિગારેટ માટે સરકારી ખર્ચે વિમાન રવાના કર્યું હોવાનું જોયું છે. ત્યારે એ દેશના નાગરિકો માટે પ્રધાનમંત્રીની માતાના અવસાન પર આવી સાદગી જોવી એક અસાધારણ અને અકલ્પનીય ઘટના હતી. લોકો એ વાતે પણ આશ્ચર્યમાં પડી ગયા કે માતાના અવસાન બાદ તેમના આદર્શોને આગળ વધારતા કાર્યદક્ષ પુત્રએ પોતાના અથવા સરકારી તંત્રનાં એકપણ કામ મોકૂફ પણ રાખ્યાં નહીં.
30 ડિસેમ્બરે ભારતના PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું અવસાન થતાં જ મોદી પરિવાર સહિત આખું ગુજરાત અને ભારત શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આવી દુઃખદ ઘડીમાં પણ PM મોદીએ દેશવાસીઓ સામે એવાં ઉદાહરણ મૂક્યાં કે સૌકોઈ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ભારતના નાગરિકોએ જે સાદગીનો પહેલા ક્યારેય અનુભવ નહોતો કર્યો એ તેમને આ દિવસોમાં જોવા મળી. ભારતના નાગરિકો નેતાઓના પરિવારજનોના જન્મદિવસ પર ઉત્કૃષ્ઠ ઉજવણી અને મૃત્યુ પર સમાચારપત્રમાં આખા પાનાં શોક-સંદેશા અને બેસણાંની જાહેરાતો જોવા અને સરકારી કામોને રદ્દ અથવા મોકૂફ થતા જોવા ટેવાયેલા છે. પરંતુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું મૃત્યુ થયું એ બાદ જે ઘટનાક્રમ બન્યા તે ભારતના નાગરિકો માટે તદ્દન નવા હતા. રાજકારણીઓના VIP ક્લચરથી ટેવાયેલા લોકોને તેઓ જે જોઈ રહ્યા હતા તેના પર ભરોસો નહોતો આવી રહ્યો.
30 તારીખે સવારે 3:30 આસપાસ માતાના નિધનના સમાચાર મળતાં જ નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત નાના ભાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જે બાદ અંતિમ દર્શન કરી માતાને કાંધ આપીને સ્મશાન યાત્રામાં સામેલ થયા હતા, સ્મશાને જઈને પણ જરૂરી વિધિ પતાવી પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી.
જોવા જેવી વાત એ હતી કે આ અંતિમયાત્રા કોઈ સામાન્ય નાગરિકના પરિવારજનની સ્મશાનયાત્રા જેવી જ હતી. ના કોઈ રસ્તા ખાલી કરાવાયા હતા, ના કોઈ ડાઇવર્ઝન અપાયાં હતાં, ના નેતાઓનો જમાવડો હતો કે ના ક્યાંય વગર કામનો ટ્રાફિક કરવામાં આવ્યો હતો. ઘરની બહારના ચોકમાંથી સ્મશાન સુધી પહોંચવા માટે પણ ગાંધીનગર મનપાના એ જ અંતિમયાત્રા રથ નામના વાહનનો ઉપયોગ કરાયો હતો, જે સૌ નાગરિકો માટે ઉપલબ્ધ રહે છે, જે શબવાહિનીમાં PM મોદી પોતે માતાના મૃતદેહ સાથે બેસેલા જોવા મળ્યા હતા.
અંતિમયાત્રા પતાવી PM નિર્ધારિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા
માતાના નિધન છતાં પીએમ મોદીએ તેમનું કામ ચાલુ રાખ્યું હતું અને તે જ દિવસે કોલકાતામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. એવું લાગી રહ્યું હતું કે કદાચ આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવશે પણ એવું થયું ન હતું. પીએમ મોદીએ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
માતાના અવસાનને લઈ PM મોદી આ કાર્યક્રમ રદ કે મોકૂફ પણ કરી શકતા હતા. અગાઉ પણ ઘણા નેતાઓએ આમ કરેલું જ છે. પરંતુ એક પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે જેની તમામ તૈયારી થઈ ચૂકી હોય તેને રદ કે મોકૂફ કરીને ફરી આયોજન કરવામાં સરકારી તિજોરીનાં નાણાંનો ધુમાડો થઈ જાય તે PM ખૂબ સારી રીતે સમજતા હતા. માટે તેઓએ એ કાર્યક્રમ યથાવત્ રાખ્યો હતો અને તેમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી.
પિતાના અવસાન બાદ પણ કાર્યદક્ષતા દાખવી હતી
નોંધનીય છે કે આ જ સમયે VHP મહાસચિવ દિલીપ ત્રિવેદીએ નરેન્દ્ર મોદીના પિતાજીના મૃત્યુની ઘટનાને યાદ કરીને કહ્યું હતું કે, “આજે કોઈ પહેલો પ્રસંગ નહોતો જ્યારે નરેન્દ્ર મોદી તેમના નિકટના પરિજનના અંતિમ સંસ્કાર કર્યા બાદ કામ પર પાછા ફર્યા હોય. 1989માં પણ આવું જ બન્યું હતું, જ્યારે પીએમ મોદીના પિતાજીનું અવસાન થયું હતું. તે દિવસે પહેલેથી નક્કી પાર્ટીની અગત્યની મીટિંગ હતી, જેમાં લગભગ નરેન્દ્ર મોદી સિવાય બધા જ હાજર હતા. તેવામાં કોઈએ નોંધ લેતાં પૂછ્યું કે મોદીજી કેમ દેખાતા નથી, ત્યારે કોઈએ જાણકારી આપી કે તેઓ વડનગર ગયા છે ત્યાં તેમના પિતાજીનું અવસાન થયું છે. અમને લાગ્યું કે પિતાજીનું અવસાન થયું હોવાથી તેઓ આજની મીટિંગમાં ભાગ નહીં લે, પરંતુ એવું થયું ન હતું અને થોડી જ વારમાં તેઓ હાજર થયા હતા.”
વડનગરની શાળાના હોલમાં યોજાઈ પ્રાર્થનાસભા-બેસણું
હીરાબાની અંતિમવિધિ તો ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી, પરંતુ તેમનું બેસણું અને પ્રાર્થનાસભા તેમના પૈતૃક ગામ વડનગરમાં આયોજિત કરાયું હતું. જ્યાં વડનગર જવાહર નવોદય વિદ્યાલયના હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. સવારે 9થી 12 વાગ્યા દરમિયાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં લોકો વડનગરમાં હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સભામાં મોદી પરિવારના સભ્યો, ભાજપના નેતાઓ, સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડનગર ખાતે સ્વ. હીરાબાની પ્રાર્થનાસભા હોવાથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પ્રાર્થનાસભામાં ઉપસ્થિત તમામ લોકોને ભગવદ ગીતા આપવામાં આવી હતી.
આ પ્રાર્થનાસભામાં જ નહીં, પરંતુ હીરાબાના બેસણાની જાહેર ખબરમાં પણ મોદી પરિવારની સાદગી ઊડીને આંખે વળગી રહી હતી. ગુજરાતી સમાચારપત્રોમાં જે સ્થાને રોજ સામાન્ય નાગરિકોના શોકસંદેશ અને બેસણાની ખબર છપાતી હોય છે, એ જ સ્થાને એક ખૂણામાં એક નાનકડી બેસણા નોંધ મોદી પરિવાર દ્વારા હીરાબા માટે પણ અપાઈ હતી, જેનો ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
લોકો અને ખાસ કરીને નેતાઓ દુનિયા બદલવાની વાતો જરૂર કરતા હોય છે, પરંતુ તેની શરૂઆત ઘરમાંથી કરવી એ તેઓને સૂઝતું નથી હોતું. એવામાં દેશમાંથી VIP કલ્ચરને હટાવવાની નેમ લેનારા PM નરેન્દ્ર મોદી જ્યારે ખરા અર્થમાં પોતાની એ વાત જીવી અને જાણીને દેશવાસીઓ સામે ઉદાહરણરૂપ બને ત્યારે તેમના વાયદાઓ પર દેશવાસીઓનો વિશ્વાસ વધશે એ બાબતે કોઈ બેમત નથી.


comments powered by Disqus