અમદાવાદ: ઝારખંડ સરકારે જૈન સમાજના મહા તીર્થ પારસનાથ પહાડને પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. આ નિર્ણય સામે દેશભરના જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સમેત શિખર તરીકે ઓળખાતા જૈનોનું આ પવિત્ર સ્થળ પ્રવાસન સ્થળ જાહેર થઇ જશે, તો અહીં હોટલો ખૂલશે અને માંસ-મદિરાનું પણ વેચાણ થશે. આમ થવાથી સમગ્ર ભૂમિની પવિત્રતા છીનવાઇ જશે, જેથી દેશભ૨ના જૈન સમાજે આ નિર્ણયનો રસ્તા ૫૨ ઉતરીને વિરોધ શરૂ કર્યો છે. બીજી તરફ, રાજ્યમાં શ્વેતામ્બર જૈન સમાજના પવિત્ર ધર્મ સ્થળ શેત્રુંજય પર્વત ૫૨ થઇ રહેલા અતિક્રમણના વિરોધમાં સમગ્ર રાજ્યના જૈન સંઘોએ અમદાવાદ સહિત વિવિધ સ્થળે વિશાળ રેલી કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત અહીં અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અને દબાણો અંગે પણ જૈન સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. મહાતીર્થમાં આ પ્રકારની પ્રવૃત્તિના વિરોધમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી જૈન સમાજે દિલ્હી તરફ કૂચ કરી હતી.
આ રેલી દ્વારા મેસેજ પહોંચાડી દેજો-આક્રોશ આક્રમણમાં બદલાશે
અત્યારે જે માહોલ બન્યો તે જૈન સમાજનું ડિફેન્સ બજેટ છે. અમે ભાગવાના મૂડમાં નથી. કોઈના ઘરમાં રેડ પાડીએ તે આપણા લોહીમાં નથી, પણ કોઈ આપણા ઘરમાં રેડ પાડી જાય તો? આ રેલી દ્વારા મેસેજ પહોંચાડી દેજો કે, આક્રોશ આક્રમણમાં બદલાશે. આક્રોશમાં 5 માણસમાં છમકલું થઈ જાય, હજારોની સંખ્યામાં આજે છો છતાં શાંતિ છે. શક્તિ વાપરવા નહીં દેખાડવા માટે હોય છે. અમારી શક્તિ વાપરવી પડે તેવા દિવસો લાવતા જ નહીં. આ જોઈને તમે ડરી જાવ નહીં તો વી આર રેડી. જ્યાં સુધી શક્તિ દેખાડતા નથી, ત્યાં સુધી સમાધાન પણ થતું નથી.
- જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ
પાલિતાણા મામલે ગુજરાત સરકાર SITનું કરશે ગઠન
ગૃહરાજ્યમંત્રીએ આ અંતર્ગત મેરેથોન બેઠક યોજી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ જૈન સમાજના પાલિતાણા સહિતના પ્રશ્નો ઉકેલવા સરકાર આગામી સમયમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરશે.
સરકાર દ્વારા ઝારખંડ ખાતે સમેેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત થતાંની સાથે જૈન સમાજમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જૈન ધર્મ માટે સમ્મેત શિખર તીર્થસ્થાન સમાન છે. સમેત શિખરજી તેમજ શેત્રુંજય તીર્થસ્થાન સહિતના મુદ્દાઓને લઈને આજે સુરત શહેરમાં 3 કિમીની વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર જાણે અસામાજિક તત્ત્વો આક્રમણ કરતાં હોય એવું લાગી રહ્યું છે.

