અમૃતસરઃ પંજાબમાં ફરી એકવાર ખાલિસ્તાનના સમર્થનમાં દીવાલો પર નારા લખવામાં આવ્યા છે. આ વખતે શ્રી મુક્તસર સાહિબમાં SSP ઓફિસની દીવાલો પર આ નારા લખવામાં આવ્યા છે. અહીં બીજી વખત આ પ્રકારનું કૃત્ય થયું છે.
શીખ ફોર જસ્ટિસ (SFJ) તરફથી વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2023ના રોજ પંજાબમાં રાહુલ ગાંધીની યાત્રા શરૂ થવા જઈ રહી છે. બીજી વખત રાહુલ ગાંધીને વીડિયો જાહેર કરી ધમકી આપવામાં આવી છે. રાહુલ ગાંધીને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પંજાબના રસ્તા પર ચાલીને બતાવે. જે બોમ્બ CM ભગવંત માનના ઘરની નજીક આવેલા પાર્કમાંથી મળ્યો હતો, તે હેલિપેડ પર પણ મળી શકતો હતો.
બે અઠવાડિયા પહેલાં પણ રાહુલ ગાંધીને આવી જ ધમકી આપવામાં આવી હતી. શ્રી મુક્તસર સાહિબની સરકારી કોલેજની દીવાલો પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા રાત્રીના સમયે સૂત્રો લખવામાં આવ્યાં હતાં. ખાલિસ્તાન ઝિન્દાબાદના નારાની સાથે-સાથે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે પણ ખોટી પરિભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

