ભુજ: ભારતના લોકોને ડ્રગ્સના બંધાણી બનાવવા પાડોશી દેશના નાપાક કૃત્યો અટકતા જ નથી. ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસએ આજે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાતના દરિયામાંથી 300 કરોડના 40 કિલો ડ્રગ્સ સાથે 10 પાકિસ્તાની નાગરિકોને પણ પકડી પાડતા ચકચાર મચી છે. ચોંકાવનારી વાત એ છે કે આ વખતે ડ્રગ્સની સાથે સાથે આ પાકિસ્તાનીઓ 120 કારતૂસ સાથે 6 પિસ્તોલ જોડે પકડાયા છે. સૌપ્રથમ વખત હથિયાર પકડાતા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ પર કોસ્ટગાર્ડે IMBLની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે અરિંજય જહાજને તહેનાત કર્યું હતું. જેને 26મી ડિસેમ્બરે પાકિસ્તાની ફિશિંગ બોટ ‘અલ સોહેલી' ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. અરિંજય જહાજને જોતાં પાકિસ્તાનીઓએ ભાગવા પ્રયાસ કર્યો હતો, જથે તેમને રોકવા ગોળીબાર કરવામાં આવ્યો હતો અંધકારમાં કોસ્ટગાર્ડના જહાજે ચાલાકીપૂર્વક બોટને પકડી હતી. કોસ્ટગાર્ડની ટીમે તપાસ કરતાં બોટ સવાર શખસોનું વર્તન શંકાસ્પદ જણાતું હતું. જેના પગલે બોટની વ્યાપક તપાસ કરવામાં આવતા સંતાડવામાં આવેલી છ પિસ્તોલ તેમજ 120 કારતૂસ અને 300 કરોડની કિંમતના 40 કિલો માદક પદાર્થ મળી આવ્યા હતા.
ઓપરેશનમાં સફળતા મળતા બોટને કબજે કરીને તેમાં સવાર તમામ 10 પાકિસ્તાની શખસોની ધરપકડ કરી તેમને વધુ તપાસ માટે ઓખાના દરિયા કિનારે લઈ જવાની તજવીજ શરૂ કરાઈ હતી.
કચ્છ-સૌરાષ્ટ્રના પોર્ટ અને દરિયામાંથી ક્યારે, કેટલું હેરોઈન પકડાયું ?
• એપ્રિલ 2021માં 30 કિલો હેરોઈન સાથે આઠ પાકિસ્તાનીની બોટ દરિયામાંથી ઝડપાઇ હતી.
• સપ્ટેમ્બર 2021માં મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી ર1 હજાર કરોડની કિંમતનું 2998 કિલો હેરોઈન ઝડપાયું હતું.
• એપ્રિલ 2022માં એટીએસ અને કોસ્ટગાર્ડ ફાયરિંગ કરીને પાક. બોટમાંથી 280 કરોડના હેરોઈન સાથે નવ પાકિસ્તાની ઝડપ્યા હતા.
• એપ્રિલ 2022માં ગાંધીધામ નજીકના સીએફએસમાંથી 300 કરોડનું હેરોઈન ઝડપ્યું હતું.
• જુલાઈ 2022માં મુન્દ્રા સીએસએફમાંથી કાપડની આડમાં ઇમ્પોર્ટ કરાયેલું 376 કરોડનું હેરોઈન ઝડપાયું હતું.
• સપ્ટેમ્બર 2022માં એટીએસ દ્વારા પાકિસ્તાનની બોટમાંથી 40 કિલો હેરોઈન પકડવામાં આવ્યું હતું.
• ઓક્ટોબર 2022માં છ પાકિસ્તાનીઓને 350 કરોડના હેરોઈન સાથે ઝડપવામાં આવ્યા હતા.

