અમદાવાદઃ અમદાવાદના ભૂલાભાઈ ચાર રસ્તા પાસેની કર્ણ હોસ્પિટલમાં એકસાથે બબ્બે હત્યા થઈ હતી, જેમાં માતા અને દીકરીને મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં, પરંતુ હોસ્પિટલનો કમ્પાઉન્ડર મનસુખ હતો. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીની સસ્તી સારવાર કરી આપવાના બહાને તેનાથી હત્યા થઈ હોવાનું જણાયું હતું.કમ્પાઉન્ડરે ભારતી નામની યુવતીના કાનના પડદાનું ઓપરેશન 30 હજારને બદલે માત્ર 5 હજારમાં કરી આપવા માટે આખો કારસો રચ્યો હતો.
કાંડ છુપાવવા એક કલાક સીસીટીવી બંધ કરતો
કમ્પાઉન્ડર મનસુખ રોજ ક્લિનિકમાં 9.30થી 10:30 સુધી સીસીટીવી બંધ કરી દેતો હતો. નક્કી કર્યા મુજબ ભારતીને ઓપરેશન પહેલાં એનેસ્થેસિયા અપાયો પરંતુ ઓવરડોઝથી ભારતી તરફડિયાં મારી મરી ગઈ હતી. જ્યાં હાજર તેની માતા ચંપાબેન બેભાન થઈ ગયાં હતાં. ઘટનાથી ગભરાયેલા મનસુખે ભાંડો ફૂટી જવાના ડરથી ચંપાબેનની પણ ગળું દબાવી હત્યા કરી હતી.
મા-દીકરીની લાશોને હોસ્પિટલમાં જ સંતાડી
આરોપીએ લોકો આવવાના શરૂ થઈ ગયા હોવાથી ઉતાવળમાં ભારતીની લાશ ઓપરેશન થિયેટરના ખાનામાં સંતાડી દીધી હતી. જ્યારે કન્સલ્ટિંગ ટેબલની નીચે ચંપાબેનની લાશને સંતાડી હતી. જો કે શંકા જતાં ડોક્ટરે ખાનું ખોલતાં ભારતીની લાશ મળી આવી હતી, જે બાદની પોલીસ તપાસમાં ચંપાબેનની લાશ પણ મળી આવી હતી.

