21મા એશિયન એચિવર્સ એવોર્ડમાં સાઉથ એશિયન મહાનુભાવોનું સન્માન

Wednesday 04th October 2023 09:28 EDT
 
 

લંડનઃ બ્રિટિશ સમાજના નિર્માણમાં યોગદાન આપવા બદલ સમગ્ર યુકેના અગ્રણી સાઉથ એશિયન મહાનુભાવોનું સન્માન કરતા 21મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ સમારંભમાં વિશ્વભરમાંથી ખાસ મહેમાનો શુક્રવાર15 સપ્ટેમ્બર, 2023ના દિવસે લંડનમાં ઉપસ્થિત રહ્યા હતા. બિઝનેસ, એન્ટરટેઈન્મેન્ટ અને જાહેર સેવાના ક્ષેત્રોમાંથી 500થી વધુ ઉપસ્થિતો સાથેના આ ઈવેન્ટનું સંચાલન ઈસ્ટેન્ડર્સના અભિનેતા નીતિન ગણાત્રા અને પાકિસ્તાની બાલુ માહી અભિનેત્રી ઐની જાફરી રહેમાન દ્વારા કરવામાં આવ્યું હતું.
સમારંભમાં સન્માનિત સાઉથ એશિયન મહાનુભાવોમાં ગત સપ્તાહે જ પોતાની કારકીર્દિના 18મા નોકઆઉટમાં સફળ રહેલા WBC સિલ્વર મિડલવેઈટ ચેમ્પિયન હમઝાહ શીરાઝનો સમાવેશ થયો હતો. ગત થોડા વર્ષો દરમિયાન, કોવિડ-19 મહામારી, કોસ્ટ ઓફ લિવિંગ કટોકટી અને વેતન સંદર્ભે ઐતિહાસિક વિવાદોનાં સમયગાળામાં હેલ્થકેર વર્કર્સ માટે અસામાન્યપણે મુશ્કેલ સમય રહ્યો છે ત્યારે આ સમારંભની રાત્રિમાં NHSના ત્રણ વર્કર્સનું આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન કરાયું હતું. પૂર્વ પેરામેડિક સલસમાન દેસાઈ BEMને નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ માટે અભૂતપૂર્વ કામગીરી માટે તેમજ કોવિડ-19 મહામારી દરમિયાન વંશીય લઘુમતીઓના મોતની સંખ્યામાં ઘટાડો થાય તેવા લક્ષ્ય સાથેની નિષ્ઠાપૂર્ણ કામગીરી માટે ડો. લલિથા ઐયરને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. NHS Bexley CCGના ચીફ ક્લિનિકલ ઓફિસર ડો. નિક્કી કાનાણી પ્રોફેશનલ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત થયાં હતાં.
આર્ટ એન્ડ કલ્ચર કેટેગરીમાં નોંધપાત્ર યોગદાન બદલ મ્યુઝિક કમ્પોઝર જસદીપસિંહ ડેગુન એવોર્ડથી વિભૂષિત કરાયા હતા જ્યારે, વિશેષતઃ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના રોગો અને ઓન્કોલોજીમાં ડ્રગ્સની શોધ અને વિકસાવવામાં નેતૃત્વ સાથે બ્રિટિશ સાયન્સ અને ઈનોવેશનના ક્ષેત્રમાં અગ્રેસર રહેવા બદલ ડો. હરેન ઝોટી FRS OBEને બિઝનેસ પર્સન ઓફ ધ યર એવોન્ડ એનાયત કરાયો હતો.
અન્ય એવોર્ડવિજેતાઓમાં તાની દુલાય (એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર), આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર પૌલોમી દેસાઈ (કોમ્યુનિટી સર્વિસ) અને ITN પ્રેઝન્ટર અનિલા ધામી (નીડિયા કેટેગરી)નો સમાવેશ થયો હતો. બ્રિટિશ રીઅલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રી અને ચેરિટેબલ સેક્ટરમાં ગણનાપાત્ર કામગીરી બદલ શશીકાન્ત કે. વેકરિયાને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.
પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે જણાવ્યું હતું કે,‘ એશિયન એચિવર્સ એવોર્ડ આપણને યુકેમાં બ્રિટિશ એશિયનોની નોંત્રપાત્ર સિદ્ધિઓની કદર કરવાની મહાન તક પૂરી પાડે છે. તમામ નોમિનીઝ દ્વારા યુકેમાં વધુ આધુનિક, વધુ ગતિશીલ અને વિશ્વ તરફ નજર કરતા અર્થતંત્રના સર્જનમાં અપાયેલા વિધેયાત્મક અસર અને યોગદાનની ઉજવણી કરાય તે ઘણું સારું છે.’
ખાલી સ્પોટિફાય પર જ લગભગ 200 મિલિયન વખત જેમના ગાયનો પ્રસારિત થયા છે તે ભારતીય ગાયિકા કનિકા કપૂરને સંગીતના સન્માનમાં વિશિષ્ટ યોગદાન બદલ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,‘ ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક દાયકાથી વધુ સમય વીતાવ્યાં પછી મને એશિયન એચિવર્સ એવોર્ડમાં મારી કદરનું વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કરવા સાથે ઘણો આનંદ થયો છે. ખુદ યુકેના પ્રાઈમ મિનિસ્ટરે આ એવોર્ડ્સ વિશે જે પ્રશંસા કરી છે ત્યારે પરિવર્તન લાવનારાઓથી ખીચોખીચ ભરાયેલા આ હોલમાં હોવાનો મને ભારે આનંદ થઈ રહ્યો છે.’
ગ્લોબલ એડવાઈઝરી ફર્મ EPG દ્વારા બ્રીજિંગ લોન કંપની માર્કેટ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ (MFS)ના સહયોગ થકી આ એવોર્ડ સમારંભનું આયોજન કરાયું હતું. MFSના સીઈઓ પરેશ રાજાએ જણાવ્યું હતું કે,‘ વિપરીત સંજોગો પરિસ્થિતિઓમાં અશક્ય હોય તેને ધ્યાનમાં રાખતા આપણે બ્રિટિશ સાઉથ એશિયનોની સફળતાઓ-સિદ્ધિઓને ઉજવવી જોઈએ. દરિયાપાર મૂળિયા ધરાવતા પરિવારોએ અલગ જ સમાજમાં અનુકૂલન સાધવાનું હોય તેમાં કેટલી પેઢીઓ પસાર થઈ ગઈ હશે. તેઓએ સાંસ્કૃતિક સંઘર્ષ અથવા પરદેશીઓ વિશે સંભવિત ડર (ઝેનોફોબિયા) સહિત તેમણે અનેક સામાજિક પડકારોનો સામનો કરવો પડ્યો હશે. આમ છતાં, આવા અવરોધોની વચ્ચે પણ બ્રિટિશ સાઉથ એશિયનો સમાજમાં સમરસ થવા સાથે વિકસ્યા હોવાનું પણ આપણે નિહાળ્યું છે.’
ઉપસ્થિત મહાનુભાવોમાં લંડન માટેના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ, ઉપલા રૃહમાં કન્ઝર્વેટિવ પાર્ટીનું પ્રનિધિત્વ કરનારા પ્રથમ ગુજરાતી લોર્ડ ડોલર પોપટ, નવલકથાકાર લોર્ડ જેફ્રી આર્ચર તેમજ માર્વેલ, નેટફ્લિક્સ, નિકેલોડીઓન અને બીબીસી શોઝમાં અગ્રેસર રહેલા ઘણા સ્ટાર્સનો પણ સમાવેશ થયો હતો.
લોર્ડ જેફ્રી આર્ચરે આફ્રિકા અને સાઉથ એશિયામાં ગરીબી નિવારણ અને શિક્ષણના ઉદ્દેશો માટે અનુદાનો આપનારી સંસ્થા ચેરિટી પાર્ટનર વન કાઈન્ડ એક્ટ (One Kind Act)ના વતી ચેરિટી ઓક્શનનું સંચાલન કર્યું હતું જેના મારફતે લગભગ 200,000 પાઉન્ડની રકમ એકત્ર થઈ હતી. ચેરિટી સંસ્થાએ જણાવ્યું હતું કે આ રકમ વિશ્વના સૌથી જરૂરિયાતમંદ વિસ્તારોમાં હજારો લોકોને ગરીબીમાંથી બહાર આવવામાં મદદરૂપ બની રહેશે. આ ફંડરેઈઝરની સાથે જ એશિયન એચિવર્સ એવોર્ડ્સ દ્વારા સારા હિતકારી ઉદ્દેશો માટે બે દાયકાથી વધુ સમયમાં એકત્ર કરાયેલી રકમ 5 મિલિયન પાઉન્ડથી વધુ થઈ છે.
EPGના મેનેજિંગ ડાયરેક્ટર પ્રતીક દત્તાણીએ જણાવ્યું હતું કે,‘ ગયું વર્ષ યુકેના સાઉથ એશિયનો માટે પરિવર્તનકારી બની રહ્યું હતું. સરકાર અથવા વેસ્ટમિન્સ્ટર, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ અને લંડનમાં મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ બધા જ સાઉથ એશિયન મૂળના હતા. સમગ્ર દેશમાં આપણી કોમ્યુનિટીના આપણા રત્નોને કદર કરવાનું આ વર્ષના એવોર્ડ માટે ભારે મહત્ત્વપૂર્ણ હતું. આપણી કોમ્યુનિટી બ્રિટનને આગળ વધવામાં મદદ કરી રહી છે જે જીવનનિર્વાહની કટોકટીમાં વિશેષ જરૂરી હતું.’
આ ઈવેન્ટના આયોજનમાં રોયલ એર ફોર્સ, બેન્ક SBI UK, ક્લોધિંગ લીઝિંગ ફર્મ આયરેલા, અનુવાદ નિષ્ણાતો લેન્ગ્વેજ ઈન્ટરપ્રીટર્સ, મોસૈફ જ્વેલર્સ તેમજ થિન્ક ટેન્ક બ્રિજ ઈન્ડિયા, મીડિયા પાર્ટનર્સ ગુજરાત સમાચાર, એશિયન વોઈસ અને સનરાઈઝ રેડિયોનો સાથ-સહકાર પ્રાપ્ત થયો હતો.


comments powered by Disqus