આતંકી પન્નુની વર્લ્ડકપ મેચ પર હુમલાની ધમકી

Wednesday 04th October 2023 07:17 EDT
 
 

અમદાવાદઃ ક્રિકેટ વર્લ્ડકપની 4 ઓક્ટોબરથી શરૂઆત થઈ રહી છે, ત્યારે વર્લ્ડકપ પર આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે, કારણ કે વર્લ્ડકપની મેચ દરમિયાન ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ એક ઓડિયો ક્લિપ વાઇરલ કરી મેચ પર હુમલો કરવા અંગેની ધમકી આપી છે. જે અંગે અમદાવાદ સાઇબર ક્રાઇમે ગુનો નોંધ્યો છે.
સાઇબર ક્રાઇમની ફરિયાદમાં જણાવાયું છે કે, શીખ ફોર જસ્ટિસના આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ પોતાની ક્લિપમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની મેચ દરમિયાન હુમલાની ધમકી આપી છે. જેમાં કહ્યું છે કે, ‘ક્રિકેટ વર્લ્ડકપ નહીં, પરંતુ આતંકવાદ વર્લ્ડકપ શરૂ થશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે માત્ર ખાલિસ્તાની ઝંડાઓ જ જોવા મળશે. હરદીપસિંહ નિઝ્ઝરની હત્યાનો બદલો લેવામાં આવશે.’
કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પણ કામગીરી
અમદાવાદ સાઇબર ક્રાઇમે ખાલિસ્તાની સમર્થક પન્નુ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. હવે આ કેસમાં સાઇબર ક્રાઇમની સાથે દેશની ટોચની એજન્સીઓ એનઆઇએ, રો, સેન્ટ્રલ આઇબી પણ જોડાશે, જે માટે સત્તાવાર કામગીરી શરૂ થઈ ગઈ છે. આ અંગે સાઇબર ક્રાઇમના ડીસીપી અજિત રાજિયાણે જણાવ્યું કે, સેન્ટ્રલ એજન્સીઓ સાઇબર ક્રાઇમ સાથે મળીને કામ કરશે.
યુકેની એડ એજન્સીની તપાસ થશે
અમદાવાદના સંખ્યાબંધ લોકોને પ્રિ-રેકોર્ડેડ મેસેજ અને ઓડિયો આવવા લાગ્યા હતા, જેની ેગંભીરતા જોઈને આતંકી ગુરપતવંતસિંઘ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલે તપાસમાં યુકેની એડ એજન્સીઓ મારફ્તે આ મેસેજ અને ઓડિયો મોકલાયા હોવાનું સામે આવતાં સાઇબર ક્રાઇમે આ અંગે ભારત સરકારને લેખિતમાં રજૂઆત કરીને યુકેના અધિકારીઓને એજન્સી સામે કાર્યવાહી કરવાનો તખ્તો તૈયાર કર્યો છે. સાઇબર ક્રાઇમે આ અંગે ભારત સરકારને લેખિતમાં રજૂઆત કરીને યુકેના અધિકારીઓને આ અંગે જાણ કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.


comments powered by Disqus