નવી દિલ્હીઃ ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ એક મોટો દાવો કરતાં ખળભળાટ મચી ગયો છે. મેનકા ગાંધીએ દાવો કર્યો હતો કે, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કે જે ઇસ્કોન તરીકે પ્રખ્યાત છે, તેઓ પોતાની ગૌશાળામાં રખાયેલી ગાયોને કતલખાના ચલાવતા લોકોને વેચી દે છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં મેનકા ગાંધી કહી રહ્યાં છે કે ઇસ્કોન દેશમાં સૌથી મોટું છળકપટ છે, તેઓ ગાયોને કતલખાનાને વેચી નાખે છે. જો કે આ આરોપોને ઇસ્કોને નકારી દીધા છે, સાથે જ મેનકા ગાંધીને જવાબ પણ આપ્યો છે.
ઈસ્કોને માનહાનિનો કેસ કર્યો
ઇસ્કોન મંદિ૨ ગાયોને કસાઈવાડે વેચી દેતું હોવાનું નિવેદન કરનારાં ભાજપના સાંસદ અને જીવદયાપ્રેમી મેનકા ગાંધી કાયદાકીય ગૂંચમાં ફસાયાં છે. ઇસ્કોન મંદિરે આવું નિવેદન કરવા સામે કાયદાકીય પગલું ભરીને મેનકા ગાંધી સામે રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે.
ઇસ્કોન કલકત્તાના વાઇસ પ્રેસિડેન્ટ રાધારામ દાસે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા અમારા ભક્તો મેનકાની ટિપ્પણીથી આઘાત પામ્યા છે. રાધારામ દાસે કહ્યું હતું કે, મેનકા ગાંધીની ટિપ્પણી ખૂબ જ લાગણી દુભાવનારી છે. તેમની આ ખોટી ટિપ્પણીને કારણે વિશ્વના ખૂણેખૂણે રહેતા ઇસ્કોનના ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે. લોકોની લાગણી દુભાવવા બદલ તેમના પર માનહાનિનો દાવો કરાયો છે.

