અમદાવાદઃ એરપોર્ટ પર વધેલી વ્યવસ્થા અને ગુજરાતના વેપારના વધતા વ્યાપના કારણે હવે રોજની ચાર્ટર્ડ ફ્લાઇટમાં વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે મહિને 450થી 500ની વચ્ચે અમદાવાદની અંદર ચાર્ટર્ડ ફ્લાઇટ આવે છે. હવે ઓક્ટોબર મહિનામાં અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડકપને લઈને મેચોનું આયોજન છે હોવાથી મોટા પ્રમાણમાં વીવીઆઇપી આવવાના છે. એક અંદાજ પ્રમાણે ઓક્ટોબર મહિનામાં 100થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટ આવી શકે છે. એટલે કે જે દર મહિને 500 ચાર્ટર્ડ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવે છે, તેની સંખ્યા વધીને 600 થઈ શકે છે, જે માટેની તૈયારી પણ અમદાવાદ એરપોર્ટ દ્વારા કરી લેવાઈ છે.
ટ્રાફિક કંટ્રોલ પણ આ મામલે એક્ટિવ
અમદાવાદના વધતા એર ટ્રાફિકના પગલે એર ટ્રાફિક કંટ્રોલ પણ એક્ટિવ થઈ ગયું છે. હાલમાં રોજ અંદાજે 15 ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટથી અવરજવર કરે છે, એટલે કે મહિનાના અંદાજિત 450થી 500 વિમાનની અવરજવર છે. આ અવરજવરની સાથે વર્લ્ડકપ દરમિયાન વધુ 100 ચાર્ટર્ડ પ્લેનના ટ્રાફિક કંટ્રોલ માટે પણ એટીસી એક્ટિવ થઈ ગયું છે.

