ભુજઃ પૂર્વ કચ્છ પોલીસને કેટલાક શખ્સો ડ્રગ્સનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હોવાની બાતમી મળતાં પોલીસે એસઓજી, એલસીબી સહિત તમામ પોલીસ મથકોને એલર્ટ કરીને ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં કંડલા નજીક મીઠી રોહરના ખાડી વિસ્તારમાંથી 80 કિલો જેટલાં કોકેઈનના પેકેટ મળી આવ્યાં હતાં, જેની અંદાજિત કિંમત રૂ. 800 કરોડ આંકવામાં આવી છે. જે ઇતિહાસમાં ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો ગણવામાં આવી રહ્યો છે.
પોલીસે પ્રાથમિક તબક્કે ડ્રગ્સ માફિયાઓએ કોકેઇન મગાવ્યા બાદ આખું કન્સાઇન્મેન્ટ ખાડી વિસ્તારમાં જ ખાલી કર્યું હોવાની આશંકા દર્શાવી હતી. જેના પગલે પોલીસ જવાનોને ખાડીના પાણીમાં પેકેટ શોધવા ઉતારાયા હતા.
કંડલા નજીક ખાડી વિસ્તારમાંથી કરોડોનું કોકેઇન મળ્યા બાદ પોલીસે ડ્રગ્સ આયાત કરનારા, મોકલનારા, હેન્ડલર તેમજ ડ્રગ માફિયાઓ ઉપરાંત મોડસ ઓપરેન્ડી જાણવા વ્યાપક તપાસ હાથ ધરી છે. કોકેઇનનો 80 કિલો જથ્થો કેવી રીતે અને કોણે અહીં સુધી પહોંચાડ્યો, તેમજ કોને ડિલિવર થવાનો હતો તે સહિતની કડીઓ જોડવા પોલીસે શકમંદોની તપાસ માટે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ સહિતની મદદ લેવાનું શરૂ કર્યું છે. સમગ્ર મામલામાં પોલીસ આગામી દિવસોમાં વધુ કેટલાક ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે.
સરહદી રેન્જ મહાનિરીક્ષક તથા પૂર્વ કચ્છ પોલીસવડાના માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરવા સૂચના અપાઈ હતી.

