કચ્છના મોટા યક્ષના મેળાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત્ ખુલ્લો મૂક્યો

Wednesday 04th October 2023 07:25 EDT
 
 

ભુજઃ નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા સાયરા ગામ નજીકના પ્રસિદ્ધ યક્ષ દાદાના ત્રિદિવસીય ભાતીગળ મેળાનો 1 ઓક્ટોબરની રાતથી દબદબાભેર પ્રારંભ થયો. છેલ્લાં 1282 વર્ષથી યોજાતા કચ્છના સૌથી મોટા મેળાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રિબિન કાપી વિધિવત્ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સમયે સાંસદો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કચ્છમાં યોજાતા વિવિધ લોકમેળામાં મુખ્યમંત્રીના હસ્તે કોઈ મેળો ખુલ્લો મુકાયો હોય એવું પ્રથમ વખત મિની તરણેતરસમા યક્ષના મેળામાં બન્યું છે.
નખત્રાણાના સાયરા ગામ નજીક યોજાતા સંઘાર સમાજના ઇષ્ટદેવ યક્ષદાદાના મંદિર સમીપે આવેલા વિશાળ મેદાનમાં ઐતિહાસિક ત્રિદિવસીય મેળાનો હર્ષોલ્લાસપૂર્વક પ્રારંભ થઈ ચૂક્યો છે. એક સમયે મનોરંજન સાથે વેપાર-ધંધાનું કેન્દ્ર ગણાતા મોટા યક્ષના મેળામાં લોકો ગાડાં જોડી વર્ષભર ચાલે તેટલો રોજગાર મેળવતા હતા. છેલ્લાં 1282 વર્ષથી યોજાતો મેળો આ વખતે 17 એકરથી વધુ જગ્યામાં યોજાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકમેળા આપણી પ્રાચીન સંસ્કૃતિના અભિન્ન અંગ હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મેળો માણવા આવનારા નાગરિકોને આ લોકમેળાની અને આસ્થાના પવિત્ર સ્થાનકની સ્વચ્છતા જાળવીને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો મંત્ર સાકાર કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીનું વિવિધ સંસ્થા, મેળા સમિતિના સભ્યો તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું.


comments powered by Disqus