રાજકોટઃ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કીર્તિમાન સ્થાપિત કરનારા રાજકોટના મિનીએચર આર્ટિસ્ટ અને બાળ કેળવણીકાર નિકુંજ વાગડિયાએ રાષ્ટ્રપિતાની જન્મજયંતી પહેલાં તેમને અનોખી ભાવાંજલિ અર્પી હતી. તેમણે ગાંધીજીની વિશ્વની સૌથી સૂક્ષ્મ 7 ગ્રામ વજનની 325 પેજની આત્મકથા સ્વહસ્તે લખી છે. જે તૈયાર કરવામાં તેમને 3 માસનો સમય લાગ્યો છે.
નિકુંજ વાગડિયાએ સ્વહસ્તે નરીઆંખે માત્ર એક ઇંચના કદમાં રોજિંદા વપરાશની પેન્સિલ દ્વારા ગાંધીજીની આત્મકથાનું લઘુ પુસ્તક તૈયાર કર્યું છે. જેના નિર્માણ થકી તેઓ ગાંધીવિચારોને યુવા પેઢી સુધી પહોંચાડવા માગે છે. પુસ્તકના મુખપૃષ્ઠને રેશમના લાલ વસ્ત્રથી બાઇડિંગથી, તો તેના શિર્ષકને ખાદીમાંથી નિર્મિત કાગળથી સજ્જ કરાયું છે. તેઓ અગાઉ તલના એક દાણા પર અંગ્રેજી વર્ણમાળાના 26 અક્ષરો, સૂક્ષ્મ કદની 250પતંગનું નિર્માણ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમને ગુજરાત સરકાર દ્વારા છબીકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો હતો. તેઓ
ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતાં રમકડાં, મોડ્યુલ્સ, વર્કશીટ્સ તૈયાર કરવામાં અનોખી મહારત ધરાવે છે.

