ગાંધીનગરઃ ‘મારું જીવન એ જ મારો સંદેશ’ એવું બાપુ કહી ગયા છે, ત્યારે મહાત્મા ગાંધીનાં સ્મારકો પાછળ સરકાર બેધ્યાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરનું કીર્તિમંદિર જર્જરિત થઈ ગયું છે, જેનું સમારકામ કરાવવાને બદલે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા દ્વારા તાળાં મારી દેવામાં આવ્યાં છે.
બીજી તરફ બાપુએ જ્યાં રહીને આઝાદી સહિતની અનેક ચળવળ ચલાવી અને પોતાનાં કાર્યો થકી દેશને રાહ ચીંધ્યો તે અમદાવાદસ્થિત સાબરમતીના ‘ગાંધીઆશ્રમ મેમોરિયલ એન્ડ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ’ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર આશરે રૂ. 1200 કરોડના ખર્ચે નવીનીકરણ કરી રહી છે! આમ સરકાર અને એએસઆઇ ગાંધીજીના જન્મસ્થળની અનદેખી કરી તેમના કર્મસ્થળને વધુ પ્રાધાન્ય આપી રહી છે.
પોરબંદરમાં બાપુના જન્મસ્થળ પર દૈનિક સરેરાશ 400થી 500 મુલાકાતી આવે છે. તેની સામે સાબરમતી આશ્રમમાં ત્રણ હજાર મુલાકાતીઓ આવે છે. નવાઈની વાત એ છે કે ગાંધી જન્મસ્થળ વાળા મકાનમાં જેટલો રિપેરિંગનો ખર્ચ છે તેનાથી થોડી ઓછી રકમ તેનું સંચાલન કરતા વિભાગ દ્વારા ગતવર્ષે વણવપરાયેલી રહેતી હોવા છતાં આ ભવનનું રિપેરિંગ કરાવાતું નથી.

