કોઇપણ વ્યક્તિને આશ્ચર્ય થશે કે જો આપણે અવિશ્વસનીય લોકોનું સર્જન ન કર્યું હોત અને તેમને સૌથી પહેલાં કોણ હાંકી કાઢશે તેની સ્પર્ધા ન કરી હોત તો આપણું જાહેર જીવન કેવા પ્રકારનું હોત. સુએલા બ્રેવરમેને તાજેતરમાં કરેલા સંબોધનો તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ દરેક મામલે આક્રમણ કરે છે, વિશેષ કરીને તે જ્યારે ઉદારતાવાદી અને માનવતાવાદી હોય તો પણ. તાજેતરમાં બ્રેવરમેને ઇસીએચઆર, બહુસાંસ્કૃતિકવાદ અને બ્રિટનમાં આવતા નિરાશ્રીતો સામે બળાપો ઠાલવ્યો છે. તેમને દેશ માટે ગંભીર પડકાર તરીકે જોવામાં આવે છે અને તેમને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપીને અટકાવવાની વાતો થઇ રહી છે. મન શાંત રાખીને વિચારીએ તો આ બાબત વાહિયાત અને મૂર્ખતાપૂર્ણ લાગે છે.
બહુસાંસ્કૃતિકવાદની વાત કરે તો આપણા વડાપ્રધાન તેને હકારાત્મક રીતે લે છે અને રાષ્ટ્રની સંપદા ગણાવે છે. બીજીતરફ બ્રેવરમેન તદ્દન વિરોધાભાસી વલણ અપનાવી રહ્યાં છે. તેઓ એમ માને છે કે બહુસાંસ્કૃતિકવાદ સમાંતર જીવનશૈલીને જન્મ આપે છે, લઘુમતી સમુદાયોને બ્રિટિશ સમાજમાં એકીકૃત થવા દેતો નથી. પરંતુ સત્યથી પરે કશું હોતું નથી. તાજેતરમાં કરાયેલા તમામ શૈક્ષણિક સંશોધનો દર્શાવે છે કે બહુસાંસ્કૃતિકવાદ વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સર્જનાત્મક ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા સંવર્ધનમાં ફાળો આપે છે. તે લઘુમતી સમુદાયોને સુરક્ષા, હૂંફ અને નિખાલસતાની ભાવના સાથે વિશાળ સમાજમાં એકીકૃત થવા માટે પ્રોત્સાહિત કરે છે. બહુસાંસ્કૃતિકવાદ અને તેના દ્વારા આવેલી ઉદારરતા અને પરસ્પર આદરના સિદ્ધાતોએ આપેલા પ્રોત્સાહન વિના બ્રિટન વધુ વિભાજિત દેશ હોત તેમાં કોઇ શંકાને સ્થાન નથી.
બ્રેવરમેન ઇમિગ્રન્ટ્સ પર પ્રહારો કરે છે, ચાઇલ્ડ ગ્રુમિંગ ગેંગોને બ્રિટિશ પાકિસ્તાનીઓ સાથે સાંકળીને બ્રિટિશ મૂલ્યો માટે ગંભીર પડકાર સમાન ગણાવે છે. એ વાતમાં કોઇ શંકા નથી કે આ પ્રકારની ગેંગ બ્રિટિશ મૂલ્યો માટે ભયજનક છે પરંતુ તેમાં મોટાભાગના બ્રિટિશ પાકિસ્તાની સંડોવાયેલા છે તેવા કોઇ પુરાવા નથી. આ પ્રકારની મોટાભાગની ગેંગ શ્વેત લોકો દ્વારા સંચાલિત હોવાના પુરાવા છે અને આ બાબત તેમને પણ સ્વીકારવાની ફરજ પડી છે.
હવે સમય આવી ગયો છે કે આપણે પૂર્વગ્રહોને આપણા મનનો કબજો લેવા દેવાના બદલે વાસ્તવિકતાને ધ્યાનમાં લઇએ. સાથે સાથે આપણે જરૂર પડે ત્યારે માનવતા અને દયા પ્રદર્શિત કરવા જોઇએ. આપણા જેવા દેશ માટે કંઇપણ ઓછું અયોગ્ય છે.

