અમદાવાદઃ ગુજકોમાસોલે ભરૂચના વગુસણા ખાતે કેળના થડમાંથી ફાઇબર બનાવવાનો પ્લાન્ટ નાખ્યો છે. કેળાંનો ફાલ લીધા પછી થડનો નિકાલ કરવા ખેડૂતોને રૂ. 12 હજારથી 15 હજારનો ખર્ચ થતો હતો. તેની સામે ખેડૂતોને આવક થાય તેવી જાહેરાત ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સામાન્ય સભામાં કરી હતી.
નવસારી કૃષિ યુનિ.એ કરેલાં સંશોધનને અમલમાં મૂકવા માટે આ રીતે આયોજન કરાયું છેે. આ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવેલા ફાઇબરમાંથી શર્ટ અને પડદા સહિત જુદીજુદી વસ્તુઓ બનાવી શકાય છે. ગુજકોમાસોલના વાઇસ પ્રેસિડન્ટ બિપીન પટેલે જણાવ્યું હતું કે, ગુજકોમાસોલે એક બ્રાન્ડ તરીકે તેનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. આ બ્રાન્ડ ગુજરાતની દરેક સહકારી સંસ્થાઓની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરવા માટે ઉપયોગ લેવાશે. આમ ગુજરાતના ખેડૂતોની સહકારી સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવનારી દરેક ઉપજને ગુજકો બ્રાન્ડનું નામ મળશે. જેના માટે ગુજકો મોલ પણ ચાલુ કરવામાં આવશે. સહકારી ક્ષેત્રની રિટેઇલ ચેઇન ઊભી કરાશે.

