અમદાવાદઃ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ થઈ છે. ભાદરવી પૂનમના 7 દિવસના મહામેળા દરમિયાન 46 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાનાં ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું, જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. અગાઉ ક્યારેય 35 લાખથી વધુ દર્શનાર્થીઓ નોંધાયા નથી. આ ઉપરાંત મહામેળામાં કુલ રૂ. 7 કરોડની આવક થઈ હતી.
23 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો હતો. ભાદરવી મેળો શરૂ થતાં અંબાજી તરફના તમામ રસ્તાઓ રાત-દિવસ યાત્રિકોથી ભરચક રહ્યા હતા. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં જાણે નવી ચેતનાનો સંચાર થયો હતો. દિવસે થોડી ગરમી, રાત્રે ઠંડક અને હરિયાળા વાતાવરણમાં માઇભક્તો ‘જય અંબે’ના જયઘોષ સાથે અંબાજી પહોંચ્યા હતા. પદયાત્રા કર્યા બાદ મા અંબાનાં દર્શન કરતાં જ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મહામેળા દરમિયાન સૌથી વધુ 10.12 લાખ શ્રદ્ધાળુઓ 27 સપ્ટેમ્બરે આવ્યા હતા. 23 સપ્ટેમ્બર એટલે કે મેળાના પ્રથમ દિવસે સૌથી ઓછા 2.75 લાખ શ્રદ્ધાળુઓ હતા. મેળા દરમિયાન 3.73 લાખ યાત્રિકો દ્વારા ભોજન-પ્રસાદ લેવામાં આવ્યો હતો.
મેળાના દિવસો દરમિયાન 18.41 લાખ પ્રસાદનાં પેકેટનું વિતરણ થયું હતું, જ્યારે ચીકીના પ્રસાદ વિતરણની સંખ્યા 71452 હતી. આમ મોહનથાળ કરતાં ચીકીના પ્રસાદનું વિતરણ ખૂબ જ સામાન્ય હતું. ભંડાર - ગાદી - ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક રૂ. 2.27 કરોડ અને પ્રસાદ વિતરણની વિવિધ બેન્કની આવક રૂ. 4.61 કરોડ હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મેળા દરમિયાન 8.72 લાખ મુસાફરોને લઈને બસની કુલ 17 હજાર ટ્રીપ થઈ હતી. તો ગબ્બર પર જવા માટે 56319 યાત્રાળુઓ દ્વારા ઉડન ખટોલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભાદરવી પૂનમના મહામેળાના અંતિમ દિવસે 29 સપ્ટેમ્બરે મા અંબાના જયઘોષ સાથે મોટી સંખ્યામાં માઇભક્તો વહેલી સવારે 6 વાગ્યાની મહાઆરતીનો લાભ લેવા માટે લાઇનમાં લાગ્યા હતા. હાથમાં ધજા લઈને ‘જય જય અંબે’ના જયઘોષ સાથે અંબાજી મંદિરમાં પહોંચતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મહામેળાના સાત દિવસ દરમિયાન આશરે 46 લાખ લોકોએ મા અંબાનાં દિવ્ય દર્શનનો લહાવો લીધો હતો.
મંગળા આરતીમાં ભારી ભીડ
માઇભક્તોની ભીડ વહેલી સવારે 6 વાગ્યે મંગળા આરતીથી જ જોવા મળી હતી. ભાદરવી પૂનમ હોવાથી અંબાજી મંદિરનો વિશેષ શણગાર કરાયો હતો. આ સાથે રાજ્યભરમાંથી આવેલા સંઘો દ્વારા માતાજીના મંદિર પર સામાન્ય આકારની ધજાથી લઈને 52 ગજ સુધીની ધજા ચડાવવામાં આવી હતી. મા અંબાની એક ઝલક અને દિવ્ય દર્શન માટે દેશભરમાંથી અને વિદેશથી પણ માઇભક્તો આતુરતાપૂર્વક મંદિરે પહોંચ્યા હતા.

