નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી શરૂ થયેલી હિંસા પાછળ પણ ખાલિસ્તાની આતંકવાદીનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. ગુપ્તચર એજન્સીઓને પુરાવા મળ્યા છે કે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિઝ્ઝરની હત્યા બાદ કુકી સમુદાયના ટોચના નેતાએ આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ સાથે બેઠક કરી હતી. આશરે ત્રણ કલાક ચાલેલી આ બેઠક બાદ ખાલિસ્તાની નેટવર્ક દ્વારા મણિપુરમાં બદમાશોને હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલાયા હતા.
કેનેડાથી આશ્રય માગી રહેલા કુકી નેતાઓ
કેનેડાના એક ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં ગંગ્સેએ ભારતવિરોધી ભાષણમાં કહ્યું કે, “જે રીતે તમે ખાલિસ્તાનની માગ કરો છો, તે જ રીતે અમે પણ અલગ મણિપુર માટે લડીએ છીએ. સરકાર મણિપુરમાં અમારા સમુદાયના નેતાઓનો સફાયો કરવા માગે છે, તેમને કેનેડામાં રાજકીય આશ્રય મળવો જોઈએ. અમારા સમુદાયને પણ કેનેડામાં રાજકીય રીતે પ્રગતિ કરવાની તક મળવી જોઈએ.' ત્યાર પછી ગુરુનાનક ગુરુદ્વારા સમિતિ- સરે વતી કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ ગંગ્સે સાથે મળીને ભાવિ વ્યૂહરચના તૈયાર કરવાની ખાતરી આપી હતી.
સમગ્ર મણિપુર રાજ્ય અશાંત વિસ્તાર જાહેર
ઇમ્ફાલઃ મણિપુરમાં કાયદા અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના પહાડી વિસ્તારોમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) કાયદો વધુ 6 મહિના માટે લંબાવાયો છે. આ વિસ્તારોમાં 1ઓક્ટોબ, 2023થી 6 મહિના સુધી AFSPA અમલમાં રહેશે. રાજ્ય સરકારના જાહેરનામા મુજબ મણિપુરના 19 પોલીસ મથકોની હદના વિસ્તારોને બાદ કરતાં સમગ્ર રાજ્યને ‘ડિસ્ટ એરિયા’ (અશાંત વિસ્તાર) જાહેર કરાયો છે. જે 19 પોલીસ મથકોના વિસ્તારોને AFSPAના અમલથી બાકાત રખાયા છે તેમાં ઇમ્ફાલ, લેન્ડ્રેલ, સિટી, સિંગ્ઝમેઇ, સેકમઇ, લામસાંગ, પત્સોઇ, વાંગોઇ, પોરમપટ, હેંગેંગ, લામલાઇ, ઇરિલબુંગ, લેમખોંગ, થોબુલ, બિષ્ણુપુર, નાંબોલ, મોઇરોંગ, કાચિક અને ચિરિબમનો સમાવેશ થાય છે. સીબીઆઇ દ્વારા આ અંગે તપાસ શરૂ કરી દેવાઈ છે.

