લુણાવાડામાં ભારે પવન અને વરસાદથી ડાંગરનો પાક નિષ્ફળ

Wednesday 04th October 2023 08:02 EDT
 
 

લુણાવાડાઃ મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવાર અને શુક્રવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ભારે વરસાદ અને પવનથી માળિયા ગામે ખેડૂતોએ વાવેલા ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. ભારે પવન સાથે વસેલા વરસાદના કારણે ખેતરોમાં ડાંગરનો પાક આડો પડી ગયો, તો ખેતરોમાં ઢીંચણસમાં પાણી ભરાયાં હતાં. આ સ્થિતિના પગલે ખેડૂતોએ ડાંગરનો પાક અને પશુઓ માટે વાવેલા ઘાસચારાને મોટું નુકસાન થયું છે. નુકસાન સહન કરનારા ખેડૂતો પાકમાં નુકસાનનું યોગ્ય વળતર આપવાની સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, અમારા મોંઘામોલો પાક નાશ થયો છે. ખેડૂતો દેવું કરી મોંઘું બિયારણ, મોંઘી દવા અને મોંઘું ખાતર લાવીને પાકને તૈયાર કર્યો હતો, ત્યારે વરસાદે અમારી મહેનત પર પાણી ફેરવી દીધું છે. ત્યાં સુધી કે અમારાં પશુના ઉછેર માટે જરૂરી ઘાસચારો પણ બગડ્યો છે. આ સ્થિતિમાં ખેડૂતો દેવું કઈ રીતે ચૂકવવું તેની ચિંતામાં છે. આ માટે સરકારને વિનંતી કરી હતી કે વહેલી તકે ખેડૂતોનું દેવું માફ થાય.


comments powered by Disqus