સ્વચ્છતા જ સેવા અભિયાન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શ્રમદાન કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન મોદી હરિયાણાના સોનીપત પહોંચ્યા હતા, જ્યાં તેમણે પહેલવાન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અંકિત બૈયનપુરિયા સાથે સાફ-સફાઈ કરી હતી. આ સાથે સમગ્ર દેશમાં નેતાઓથી લઈ વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સોશિયલ મીડિયામાં સનાતની ઈન્ફ્લુએન્સર તરીકે જાણીતો બનેલો કુશ્તીબાજ અંકિત બૈયનપુરિયા ઈન્સ્ટાગ્રામમાં 51 લાખ ફોલોઅર્સ ધરાવે છે. અંકિત તેની 75 દિવસની ફિટનેસ ચેલેન્જથી લોકપ્રિય બન્યો છે. આ ચેલેન્જમાં તે દરરોજ પોતાનું ફિટનેસ રુટિન શેર કરવાની સાથે ગીતા અને શિવ પુરાણના કોઈ એક શ્લોકનું મહત્ત્વ સમજાવતો હોય છે. અંકિતની 75 દિવસ ચેલેન્જથી પ્રભાવિત થઈને અનેક લોકો આ પ્રકારની રોલ્સ બનાવતા થયા છે.

