ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની ધરતી પરથી ગર્વ સાથે કહ્યું હતું કે, ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ એ દુનિયા માટે બ્રાન્ડિંગ હશે, પરંતુ તે મારા માટે સફળ બોન્ડિંગ છે. મેં 2003માં એક બીજ રોપ્યું હતું, જે અત્યારે વટવૃક્ષ બની ચૂક્યું છે. અહીં આવીને ભૂતકાળને વાગોળું છું ત્યારે મને લાગે છે કે, હું 20 વર્ષ નાનો થઈ ગયો છું. જીવનમાં આનાથી વધારે સંતોષ શું હોઈ શકે છે?
ગુજરાતની મુલાકાતે આવેલા મોદીએ સાયન્સ સિટીમાં વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજદ્વારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને ઉદ્યોગજૂથના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમણે સમિટ ઓફ સક્સેસ પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, 20 વર્ષથી સફળતા પછી રોકાઈ જવાનો આ સમય નથી. આગળનાં 20 વર્ષ ખૂબ મહત્ત્વનાં છે. જ્યારે 40 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત સ્વતંત્રતાનાં 100 વર્ષની નજીક હશે.
મોદીએ કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટની મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે વિદેશી મહેમાનોને રોકાવા માટેની હોટેલો પણ પર્યાપ્ત માત્રામાં નહોતી. ગેસ્ટહાઉસ પણ ફુલ જઈ જતા હતા. 2009માં મેં એવા સમયે વાઇબ્રન્ટ સમિટ કરી હતી કે, જ્યારે વિશ્વમાં મંદીનો સમય હતો. એ સમયે મને બધા કહેતા કે સમિટ રદ કરી દો, પરંતુ હું ડગ્યો નહોતો. નિષ્ફળતા મળે તો પણ આદત છૂટવી ન જોઈએ. આજે આ સમિટમાં 135 દેશો અને 40 હજારથી વધારે ડેલિગેટ્સ જોડાય છે. 20 વર્ષની ઉજવણીમાં સામેલ થતાં ખૂબ ખુશી છે.
વાઇબ્રન્ટની સફળતા અંગે તેમણે કહ્યું કે, તેની પાછળ આઇડિયા, ઇમેજિનેશન અને ઇમ્પ્લિમેન્ટેશન કામ કરે છે. એક નાના રાજ્યએ ડેવલપ કન્ટ્રીને પાર્ટનર બની દેખાડ્યું છે. અમદાવાદના ટાગોર હોલથી શરૂ થયેલી સફર અત્યારે મહાત્મા મંદિરમાં પહોંચી છે. હું દેશનાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપતો હતો, જેથી તેમના રાજ્યનો પણ ઔદ્યોગિક વિકાસ થાય. હું આ માધ્યમથી દરેક રાજ્યને લાભ પહોંચાડવા માગતો હતો. અમે ગુજરાતનો વિકાસ નેશનના વિકાસ સાથે કરતા હતા.
ઉપસ્થિત ઉદ્યોગજૂથના પ્રતિનિધિઓને સંબોધતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોક્સ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે છે તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાને વિશ્વ સમક્ષ મૂકવાનું એક માધ્યમ બની છે. દેશના ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આ વાઇબ્રન્ટ સમિટ બની છે.
ગુજરાત વિરોધીઓ એવું કહેતા હતા કે ગુજરાતમાંથી યુવાનો, ઉદ્યોગો, વ્યાપારીઓ બધા જ પલાયન કરશે. ગુજરાત બરબાદ થઈ જશે અને દેશ માટે બોજારૂપ બની જશે. બદનામીનાં ષડયંત્રો લઈને ચાલનારા લોકોએ નિરાશાનો માહોલ ઊભો કર્યો હતો. તેઓ કહેતા કે ગુજરાત ક્યારેય પગભર નહીં થાય, પરંતુ મુસીબતના સમયમાં સંકલ્પ લીધો હતો અને તે પાર પડ્યો હતો. 2014માં મેં દેશનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તેવો સંકલ્પ કર્યો હતો. દેશ આજે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, બે દાયકામાં ગુજરાતે ઓટોમોબાઇલ, મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, ડાઇઝ અને ઇન્ટર મીડિયેટ્સ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ્ડ ડાયમંડ, સિરામિક સહિતનાં ક્ષેત્રોમાં નવાં સોપાનો સર કર્યાં છે. ગુજરાત દેશનું ટોપ એક્સપોર્ટર બન્યું છે. ગુજરાતે ગતવર્ષે લગભગ બે બિલિયન યુ.એસ. ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ બહુ મોટા ક્ષેત્ર તરીકે ઊભરી આવશેે.

