રાજકોટઃ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ વેરાવળ-જબલપુર એક્સપ્રેસમાં રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ઉતર્યા હતા. અહીં તેમણે ટૂંકા રોકાણ દરમિયાન જણાવ્યું હતું કે, સનાતન ધર્મ બહુ વ્યાપક અર્થને ધારણ કરે છે. સનાતન ધર્મનો અર્થ જ શાશ્વત, અજર અને અમર છે. કોણે પ્રારંભ કર્યો તે સ્મરણ નથી, એટલે તે પ્રાચીન છે. સનાતન ધર્મ જ ધર્મ છે. બાકી બધા સંપ્રદાય, મઝહબ, પંથ અને રિલિજિયન છે.
દ્વારકા, સોમનાથ, તિરુપતિ જેવાં ધાર્મિક સ્થળોએ યુવાધનની ભીડ જોવા મળે છે, એટલે સંપૂર્ણપણે કહી ના શકીએ કે યુવા પેઢી ભટકે છે. તેને જરૂર છે યોગ્ય દિશા બતાવાની. યુવાધનમાં જે કમી છે તે દૂર કરવી માતા-પિતા અને ગુરુની જવાબદારી છે. સ્કૂલના પાઠ્યપુસ્તકમાં ધાર્મિક શિક્ષાનો સમાવેશ થવો જોઈએ. અન્ય ધર્મમાં ધાર્મિક શિક્ષા આપવામાં આપત્તિ નથી, અમને મનાઈ કરાઈ છે તેની આપત્તિ છે. હિન્દુઓને બંધારણમાં ધાર્મિક શિક્ષણનો અધિકાર આપો.
ધર્મમાં ઉપર તરનારા જ નુકસાનકારક
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું કે, જળમાં તેલનું ટીપું નાખો તો તે ઉપર તરવા લાગે છે, તેવી જ રીતે ધર્મમાં જે ઉપર તરનારા છે, એ જ નુકસાન પહોંચાડે છે. પ્રાચીન પરંપરાને ન તોડવી જોઈએ. સદાનંદ સરસ્વતી મહારાજે સમતોલ, શુદ્ધ અને શાકાહારી ભોજન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભોજન કરાવવાનો અર્થ શું છે? શુદ્ધ શાકાહારી ભોજન કોઈને કરાવો તે ધર્મ થઈ જશે. દરેકે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ.
ધર્મ શું છે?
આવનારી પેઢીને સંદેશો છે કે સનાતન ધર્મનું પાલન કરવું જોઈએ. પૂજાપાઠ કરવાં જોઈએ. આ વાત દરેક જાણે છે, એ સમજવાનું પણ છે. કર્તવ્યપાલન કરવું એ ધર્મ છે. અહિંસા ધર્મ છે. ભૂખ્યાને ભોજન કરાવવું, પાણીની પરબ કરવી, રાષ્ટ્રની સેવા કરવી, યોગ્ય રસ્તે ચાલવું અને કોઈને ચાલવા માટે દિશા બતાવવી એ પણ ધર્મ જ છે.

