‘આવી બે કરોડ લખપતિ દીદી બનાવવી છે’: પ્રધાનમંત્રી મોદીની જાહેરાત

Wednesday 04th October 2023 07:44 EDT
 
 

વડોદરાઃ બોડેલી આવેલા પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારની મુલાકાતનો દાખલો ટાંકીને દેશમાં 2 કરોડ લખપતિ દીદી બનાવવી છે તેવી જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં ગયો હતો, ત્યારે લખપતિ દીદીને મળવાનું થયું હતું. આ દીદીના પિતા સાઇકલ લઈને જતા હતા પણ તેમનાં પત્નીએ તેમને તેની કમાણીમાંથી સ્કૂટી લઈ આપ્યું અને ત્યારપછી ટ્રેક્ટર પણ લઈ આપ્યું હતું.
‘ગુજરાતના અનુભવનું ભાથું લઈને દિલ્હી ગયો છું’ તેવો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, 20 વર્ષ અગાઉ સ્કૂલમાં ડ્રોપ રેશિયો 18 ટકા હતો, પરંતુ હાલમાં માત્ર 1 ટકા છે. બોડેલીમાં વર્ષ 2002 જે બાળકોની આંગળી પકડીને સ્કૂલ લઈ ગયો હતો, તે પૈકી એક યુવા આજે ડોક્ટર છે, તો એકે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો તેનો સંતોષ છે.
મહિલાઓને ડ્રોન ટેકનિશિયન બનાવાશે
‘હજુ 2 કરોડ લખપતિ દીદી બનાવવી છે’ તેવી જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સખીમંડળને ડ્રોન આપીશું અને ખેતીમાં દવાનો છંટકાવ કેવી રીતે થાય તેનું પ્રશિક્ષણ આપવામાં આવશે, જેનાથી ખેતી કેવી રીતે થાય તેનું શિક્ષણ મેળવી શકે. ગરીબો માટે 4 કરોડ થી વધુ પાકાં ઘર બનાવી દીધાં છે. ગુજરાતની લાખો દીદી લખપતિ દીદી બની ગઈ છે. લાખો ઘર અમારી બહેનોના નામે થયાં છે. પ્રધાનમંત્રી મોદીએ બોડેલીના મંચ પરથી રૂ. 5206 કરોડનાં વિવિધ વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતા.


comments powered by Disqus