ટોરોન્ટોઃ ભારતીયો અને ગુજરાતીઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જવાનો અને સ્થાયી થવાનો મોહ એટલો છે કે લોકો જીવનું જોખમ પણ ખેડે છે. આ જ ઘેલછામાં ફરી મહેસાણાના વિજાપુર અને રોમાનિયાના આઠ લોકોનાં મોત થયાં.
31 માર્ચે ક્યુબેક-ઓન્ટારિયો બોર્ડર નજીક સેન્ટ લોરેન્સ નદીમાં વિજાપુરના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર પણ કેનેડાથી અમેરિકા જવા માટે ગેરકાયદે બોટમાં બેઠો હતો, જે તેમની જિંદગીની અંતિમ સફર બની રહી. આ દુર્ઘટનામાં માણેકપુરાના ખેડૂત એવા પ્રવીણભાઈ વેલજીભાઈ ચૌધરી, તેમની પત્ની દક્ષાબેન તેમજ તેમની દીકરી ચૌધરી વિધિબેન, મિતકુમારનાં બોટ પલટવાથી મોત થયાં.
8 લોકોની ક્ષમતાની બોટ હતી
બુધવારની રાત્રે આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અધિકારી ઓ'બ્રાયને કહ્યું હતું, ‘પાણીમાં ઉતરવાનો એ સમય સારો નહોતો.’ પોલીસને તે રાત્રે લોકો તરફથી બે 911 કોલ મળ્યા હતા, જેમણે પાણીમાં ડૂબતા લોકોની બૂમો સાંભળી હતી.
એજન્ટ સાથે ડીલની શક્યતા
આ કેસમાં પણ કોઈ એજન્ટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ ચૌધરી પરિવારે કેનેડા થઈને અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે રૂ. 56 લાખ આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ કેસમાં પણ કોઈ એજન્ટ હતો કે કેમ અને કેટલા રૂપિયા આપ્યા હશે એ અંગે હજુ કોઈપણ વ્યક્તિ બોલવા તૈયાર નથી.
કેનેડા-મેક્સિકો બોર્ડર મુખ્ય ગેટ-વે
અમેરિકામાં ઘૂસણખોરી કરવા એજન્ટ કેનેડા અને મેક્સિકોનો ગેટ-વે અપનાવે છે, પરંતુ લોકો કેનેડા અને મેક્સિકો કાયદેસર વિઝા સાથે જતા હોવાથી ગેરકાયદે અમેરિકા જતા લોકો અને એજન્ટોના નેટવર્ક સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.
સીઆઇડી ક્રાઇમ અને રેલવેઝના એડીજીપી આર.બી. બ્રહ્યભટ્ટે જણાવ્યું કે, ગેરકાયદે જવા માટે એજન્ટો કેનેડા અને મેક્સિકોની બોર્ડરનો રસ્તો પસંદ કરે છે. આ લોકો ટૂરિસ્ટ વિઝા પર કેનેડા પહોંચે છે, જ્યાંથી તે સ્થાનિક એજન્ટની મદદથી અમેરિકામાં ઘૂસણખોરી કરે છે.
મેક્સિકો બોર્ડરથી ઘૂસણખોરી કરતા પરિવારો કે વ્યક્તિ તુર્કી થઈને મેક્સિકો જતા હોવાથી ગુજરાતના સ્થાનિક એજન્ટોની ભૂમિકા સામે નથી આવતી. જો કે પોલીસને એક મહત્ત્વની કડી મળી છે.
અગાઉ 5 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો
અગાઉં ડિંગુચાના પર ચાર સભ્યો અને ગાંધીનગરનો એક યુવક અમેરિકામાં ઘૂસણખોરી કરતાં મોતને ભેટ્યા હતા, જેમાં કલોલ જીઆઇડીસીમાં નોકરી કરતા બ્રિજકુમાર યાદવ તેની પત્ની અને ત્રણ વર્ષના બાળક સાથે એજન્ટ મારફતે મેક્સિકો પહોંચ્યો હતો. ત્યાંથી એજન્ટો મારફતે યાદવ પરિવાર અમેરિકા બોર્ડરની 20 ફૂટ ઊંચી દીવાલ કૂદીને ગેરકાયદે પ્રવેશ કરવા જતાં નીચે પટકાયા હતા, જેમાં બ્રિજકુમારનું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં ડિંગુચાના જગદીશ પટેલ પત્ની વૈશાલી, પુત્રી વિહાંગી અને પુત્ર ધાર્મિક ચારેય વ્યક્તિ કેનેડાના વિઝા લઈ પહોંચ્યા હતા, જ્યાં પટેલ પરિવાર ગેરકાયદે યુએસમાં ઘૂસણખોરી કરવા માટે પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે માઇનસ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ચારેય વ્યક્તિનું મોત થયું હતું.
ટૂરિસ્ટ વિઝા પર અન્ય દેશથી મેરિકામાં ઘૂસણખોરીનું નેટવર્ક
કબૂતરબાજી સાથે સંકળાયેલા એજન્ટોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જેમાં જે વ્યક્તિને અમેરિકામાં જવું હોય તેને કેનેડા, મેક્સિકો જેવા દેશમાં ટૂરિસ્ટ એજ્યુકેશન, વર્ક પરમિટ વિઝા પર મોકલી આપવામાં આવે છે. તે દેશમાં બેથી ત્રણ મહિના રોકાયા બાદ ત્યાંના એજન્ટ મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

